વડોદરામાં ‘વિકાસ’ તરસ્યો, સન ફાર્મા રોડની આમ્રપાલી સોસાયટી 2 વર્ષથી પાણી માટે તરસતી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં
વોર્ડ નં. 11ના કાઉન્સિલરનો રહીશોને સ્પષ્ટ ઈન્કાર: ‘તમારી સોસાયટી મારા વોર્ડમાં નથી’,
“કનેક્શન આપ્યા પણ પાણી ક્યાં?”: જાહેરાતો અને હકીકત વચ્ચેના તફાવતને લઈ આમ્રપાલી સોસાયટીના રહીશોનો પાલિકાની વડી કચેરીએ ઉગ્ર આક્રોશ
વડોદરા: એક બાજુ વડોદરાને ‘સ્માર્ટ સિટી’ અને ‘વિકસિત વડોદરા’ તરીકે પ્રસ્થાપિત કરવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારના રહીશો ટીપું પાણી મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 11માં આવતા સન ફાર્મા રોડની આમ્રપાલી સોસાયટીના રહીશો પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી તેઓ પીવાના પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નં. 11ની કચેરીમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વોર્ડ ઓફિસર મુકેશ પરમાર દ્વારા માત્ર પોકળ વાયદા જ આપવામાં આવ્યા છે. આજે કંટાળેલા રહીશોએ પોતાની નોકરી-ધંધા પર રજા પાડીને કમિશનરને રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો હતો.

રહીશોમાં સૌથી વધુ નારાજગી સ્થાનિક કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી સામે જોવા મળી હતી. રહીશો જ્યારે પોતાની પ્રાથમિક સુવિધાની ફરિયાદ લઈને ગયા ત્યારે કાઉન્સિલરે “આ સોસાયટી મારા વોર્ડમાં આવતી નથી” કહીને હાથ ઊંચા કરી દીધા હતા. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિના આવા બેજવાબદાર વર્તનથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. રહીશોએ ચીમકી આપી છે કે, “જો અત્યારે અમે તેમના વોર્ડમાં નથી આવતા, તો આવનારી ચૂંટણીમાં અમે તેમને ચોક્કસ જાકારો આપીશું.”
આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ પાલિકા કચેરી ગજવી મૂકી હતી. રહીશોની એક જ માંગ છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર આ બાબતે હસ્તક્ષેપ કરે અને વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.
મોંઘા ભાવનું પાણી ખરીદવા જનતા મજબૂર…
સ્થાનિકોએ જણાવ્યું હતું કે:
*પાલિકા હજારો નવા નળ કનેક્શન આપ્યા હોવાની જાહેરાતો કરે છે, પણ કનેક્શનમાં પાણી આવતું જ નથી.
*પુરતા પ્રેશરના અભાવે લોકોને બહારથી વેચાતું પાણી મંગાવવું પડે છે અથવા ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે.
*નિયમિત ટેક્સ ભરવા છતાં શુદ્ધ અને પૂરતું પાણી મળતું નથી.
સ્માર્ટ સિટીની વાતોનો કોઈ અર્થ નથી…

“21મી સદીમાં પણ જો તંત્ર પીવાનું પાણી ન આપી શકતું હોય, તો સ્માર્ટ સિટીની વાતોનો કોઈ અર્થ નથી. અમને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી જોઈએ છે, નહીંતર આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.” – સ્થાનિક રહીશ (તેજસ પટેલ)