બિટકોઈન રોકાણના નામે કરોડોની લાલચ, બિલ્ડર સાથે મોટી ઠગાઈ
બેંગ્લોરના ભેજાબાજ સહિત બે શખ્સો વિરુદ્ધ પાદરા પોલીસમાં ફરિયાદ
વડોદરા, તા. 23
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક બિલ્ડરને બિટકોઈનમાં રોકાણ કરી ઊંચા વળતર આપવાની લાલચ આપી રૂ. 90 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
કારેલીબાગની મંગલ જ્યોત સોસાયટીમાં રહેતા નરેન્દ્ર અંબાલાલ પટેલ વ્યવસાયે બિલ્ડર છે. નવેમ્બર 2019માં પાદરા રોડ પર મિત્રને મળવા દરમિયાન તેમની ઓળખાણ રોબર્ટ ઈશ્વર પટેલિયા સાથે કરાવવામાં આવી હતી. રોબર્ટે બિટકોઈનમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેવી વાત કરી વિશ્વાસમાં લીધો હતો. બાદમાં બેંગ્લોરમાં રહેતા જોસેફ બાબર સેમ્યુઅલ સાથે ફોન પર વાત કરાવીને સમગ્ર વ્યવહાર વિશ્વસનીય હોવાનું દર્શાવાયું હતું.
શરુઆતમાં સંકોચ અનુભવ્યા બાદ વારંવારના દબાણ અને લાલચમાં આવી બિલ્ડરે પહેલા રૂ. 62 લાખ અને ત્યારબાદ કુલ રૂ. 90 લાખ રૂપિયા રોબર્ટ તથા જોસેફના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. લાંબા સમય સુધી કોઈ માહિતી કે નફો ન મળતા રકમ પરત માંગતા રોબર્ટે સ્ટેમ્પ પેપર પર કરાર પણ કરી આપ્યો હતો, છતાં આજદિન સુધી એક પણ રૂપિયો પરત મળ્યો નથી.
છેવટે છેતરપિંડીનો અહેસાસ થતાં નરેન્દ્રભાઈએ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બંને ભેજાબાજોની ધરપકડ માટે તપાસ અને તજવીજ હાથ ધરી છે.