નોટિસ માત્ર કાગળ પર: GPCBનો આદેશ હોવા છતાં પ્લાન્ટ બેરોકટોક ચાલુ, અધિકારીઓ આળસ મરડીને બેઠા
રહેણાંક વિસ્તારમાં ઉડતી ધૂળને કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા, જવાબદાર કોણ?
વડોદરા : શહેરના ઝડપથી વિકસતા ભાયલી વિસ્તારમાં એક ગેરકાયદે RMC પ્લાન્ટ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે. કોઈપણ પ્રકારની મંજૂરી વિના ધમધમી રહેલા આ પ્લાન્ટને કારણે પર્યાવરણને નુકસાન પહોંચવાની સાથે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઊભૂ થયુ છે. નવાઈની વાત એ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પ્લાન્ટ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં, પ્લાન્ટ બેરોકટોક ચાલુ રાખી તંત્રને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.

ભાયલીના આસપાસના રહેણાંક વિસ્તારોમાં આ પ્લાન્ટના કારણે સતત ધૂળની ડમરીઓ ઉડતી રહે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ઘરોમાં ધૂળના થર જામી જાય છે અને બાળકો તેમજ વૃદ્ધોમાં શ્વાસ લેવાની તકલીફો વધી રહી છે. દિવસ-રાત ચાલતા આ પ્લાન્ટના અવાજ અને પ્રદૂષણે સ્થાનિકોનું જીવવું દુષ્કર બનાવી દીધું છે.
સ્થાનિક રહીશોની હવે એક જ માંગ છે કે આ ગેરકાયદે પ્લાન્ટને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે અને રસ્તા પર ઠાલવેલો વેસ્ટ દૂર કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર સફાળું નહીં જાગે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જાહેર માર્ગો પર કોંક્રિટનો કચરો: અકસ્માતનો ભય…

પ્લાન્ટ સંચાલકો દ્વારા માત્ર હવાનું જ પ્રદૂષણ ફેલાવવામાં નથી આવતું, પરંતુ કોંક્રિટ વેસ્ટનો નિકાલ પણ અત્યંત જોખમી રીતે કરવામાં આવી રહ્યો છે.
*રોડ બ્લોકેજ: પ્લાન્ટની બહાર મુખ્ય રોડ પર આડેધડ કોંક્રિટ વેસ્ટ ઠાલવવામાં આવતા રસ્તાનો એક આખો ભાગ નકામો બની ગયો છે.
*વાહનચાલકોને હાલાકી: રસ્તા પર જામેલા કોંક્રિટના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતત સતાવી રહ્યો છે.
તંત્રનું ગુનાહિત મૌન અને ધૃતરાષ્ટ્રની ભૂમિકા..

આ સમગ્ર મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ
*GPCBની અવગણના: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્લાન્ટ બંધ કરવા લેખિત નોટિસ આપી હોવા છતાં પ્લાન્ટ હજુ પણ કાર્યરત છે.
*કોર્પોરેશનની ઉદાસીનતા: વડોદરા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જાણે ‘ધૃતરાષ્ટ્ર’ની ભૂમિકામાં હોય તેમ બધું જાણતા હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરી રહ્યા નથી.
સ્થાનિકોનો આક્રોશ: “તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે?”

“અમે છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદે પ્લાન્ટના કારણે નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ. આખો દિવસ ધૂળ ઉડતી હોવાથી ઘરના બારી-બારણાં ખોલી શકાતા નથી. નાના બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તંત્રને અનેકવાર રજૂઆત કરી, છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?”
— રમેશભાઈ પટેલ (ભાયલી વિસ્તારના રહીશ)
રાત્રિના સમયે અહીં અકસ્માત થવાનો પૂરો ભય…
”સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે GPCB એ નોટિસ આપી હોવા છતાં પ્લાન્ટ ચાલુ જ છે. આટલી હિંમત ક્યાંથી આવે છે? રોડ પર આડેધડ કોંક્રિટ વેસ્ટ ઠાલવી દેવામાં આવ્યો છે જેના કારણે અડધો રસ્તો બંધ થઈ ગયો છે. રાત્રિના સમયે અહીં અકસ્માત થવાનો પૂરો ભય રહે છે. કોર્પોરેશનના અધિકારીઓ આ બધું જોતા હોવા છતાં કેમ મૌન છે તે સમજાતું નથી.”
— દેવલ શાહ, (ભાયલી વિસ્તારના રહીશ)