સ્ટેશન રોડ અને ઝાલોદ રોડ રેલવે ઓવરબ્રિજ વિસ્તારમાં સ્વચ્છતાના અભાવે કાર્યવાહી,
દાહોદ તા 23
દાહોદમાં ગંદકી ફેલાવનાર લોકો સામે હવે દાહોદ નગરપાલિકા એક્શનમાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પીણીની દુકાનો તેમજ લારી-ગલા ઉપર થતી ગંદકી સંદર્ભે હવે નગરપાલિકાની ટીમ ગંભીરતા દાખવી દંડાત્મક કાર્યવાહી કરી રહી છે સાથે સાથે ગંદકીની સાથે ટ્રાફિકમાં અડચણરૂપ લારી ગલ્લા પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે તે સંજોગોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો ખાસ કરીને નોનવેજની દુકાનો પર સ્વચ્છતાનો અભાવ જોવા મળતા ટીમ નગર પાલિકા દ્વારા સ્ટેશન રોડ પર ત્રણ તેમજ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલી ચાર નોનવેજની દુકાનોને સીલ મારી દેવાયા છે સાથે જ રેલવે સ્ટેશન રોડ પર આવેલી ઈંડાની દુકાનો લારીગલ્લાવાળાઓને અંતિમ ચેતવણી આપી હોવાનું સામે આવી રહ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં એક તરફ દાહોદ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટીમ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા અભિનંદન પાઠવી એવોર્ડ પણ આપવામાં આવી રહ્યા છે. સાથે જ સ્માર્ટ સિટી સ્વચ્છ અને રળિયામણો લાગે તે માટે રાત્રિ સફાઈ પર ખાસ કરીને ભાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ દાહોદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ દુકાનો તેમજ પથારાવાળાઓના ત્યાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળતા હવે નગરપાલિકા દ્વારા હવે કડક રીતે કાર્યવાહી હાથ ધરાઈ છે.

દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ગણેશ રેસ્ટોરન્ટ, પ્રકાશ રેસ્ટોરન્ટ તેમજ ગુરુકૃપા રેસ્ટોરન્ટ દ્વારા હોટલનો તમામ કચરો ભૂગર્ભ ગટરમાં ઠલવતા અવારનવાર ભૂગર્ભ ગટરો ચોક થઈ જતા વારંવાર સૂચના આપવા છતાં રેસ્ટોરન્ટ માલિકો દ્વારા કોઈ કામગીરી ન કરતા આખરે ટીમ નગરપાલિકા દ્વારા આજે ત્રણેય રેસ્ટોરન્ટને સીલ મારી દીધી હતી. તેવી જ રીતે શહેરના ઝાલોદ રોડ રેલવે ઓવર બ્રિજ પાસે નૂર પ્રાઇમ બિલ્ડિંગમાં આવેલી આબુ અલ બક નામક બે હોટલ, તેમજ દાવત રેસ્ટોરન્ટ તથા અલસેફ કિચન નામક ત્રણ નોનવેજની દુકાનો પણ સીલ મારવામાં આવી હતી. આ દુકાનોની બહાર નોનવેજનું ખુલ્લામાં વેચાણ તેમજ વઘાર કરતા આવતા જતા લોકોમાં ખૂબ જ હેરાનગતિ થતી હતી જેના કારણે આ દુકાનો સીલ કરવામાં આવી હતી.
ટીમ નગરપાલિકાએ 4 દિવસમાં 15 હજારનો દંડની વસૂલાત કરી
દાહોદ શહેરના વિવિધ વિસ્તાર જેવા કે ચાકલિયા રોડ, ગોદીરોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ચાઈનીઝની લારીઓ તેમજ અન્ય પથારા વાળા પાણી પકોડીવાળા દ્વારા ગંદકી ફેલાવતા સેનેટરી વિભાગની ટીમે ચાર દિવસમાં 15 હજાર રૂપિયાના દંડની વસુલાત કરી છે .
રિપોર્ટર: વિનોદ પંચાલ