Gujarat

આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે

ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા યુવા ઉમેદવારો માટે આવતીકાલે તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાન ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્વારા અને ડે. સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.

લોકરક્ષક કેડરમાં કુલ ૧૧,૮૯૯ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી ૮,૭૮૨ પુરૂષ અને ૩,૧૧૭ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હાલના તબક્કે, જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે, તેવા કુલ ૧૧,૬૦૭ ઉમેદવારોને આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. ઉલ્લખનીય છે કે, વર્તમાન ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળમાં ખાલી રહેલી અન્ય ૧૩,૫૯૧ જગ્યાઓ માટે પણ નવી જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. આ નવી ભરતી પ્રક્રિયા પણ હાલ કાર્યરત છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર યુવાનોને પારદર્શક રીતે સરકારી સેવામાં જોડાવાની તક પૂરી પાડવા મક્કમ છે.

Most Popular

To Top