Vadodara

વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત

શહેરમાં એર ક્વોલીટી ઈન્ડેક્ષ બીનઆરોગ્યપ્રદ સ્તર સુધી પહોચી ગયો

AOI નગરજનોને સ્લો પોઈઝન સમાન હોય દિલ્હી જેવી સ્થિતિ સર્જાય તે પહેલા દરેક વિભાગે પગલા લેવાની માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

વડોદરા શહેરમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષ બીનઆરોગ્યપ્રદ સ્તર સુધી પહોચી ગયો તે નગરજનોને સ્લો પોઈઝન સમાન હોવાના આક્ષેપ સાથે વડોદરાની વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા વડોદરામાં દિલ્હી જેવી સ્થિતિ સર્જાય તે પહેલા દરેક વિભાગે પગલા લેવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી, જીપીસીબી, મ્યુ.કમિશ્નર , રિજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર અને પોલીસ કમિશ્નરને રજુઆત કરી છે.

વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિના પ્રમુખ કિશોર શર્મા, સંજય વાઘેલા અને એડવોકેટ શૈલેષ અમીને વડોદરામાં દિલ્હીવાળી ના થાય તે માટે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં હવાની ગુણવત્તાનો આંક રોજ બિન આરોગ્યપ્રદ થાય છે. સૌ જાણીએ છીએ કે કુદરતી રીતે સામાન્ય સ્થિતિમાં હવામાં 21 ટકા ઓક્સીજન છે. જયારે મહત્તમ નાઈટ્રોજન હોય છે. વડોદરાની સ્થિતિ દિલ્હી જેવી થાય તે પહેલા ઠોસ પગલા લેવા જરૂરી છે. વડોદરાના નગરજનોને શ્વાસોચ્છુવાસ કરવા માટે હવામાન શુદ્ધ રહ્યું નથી. જે તમામ માટે ચિંતાજનક વિષય છે અને તેમાય હવામાં પાતળા કે ઝીણા પાર્ટીકલ્સ છે જે શ્વાસ સાથે ફેફસા સુધી પહોચી જાય છે તે અતિ ગંભીર છે. હવાની ગુણવત્તા ભયજનક સ્થિતિ સુધી પહોચે ત્યારે માત્ર નગરજનો ના સ્વાસ્થ્યને જ નુકશાન કરે તેવું જ નથી, પણ ઘરો ઉપર લાગેલા સોલારની પ્લેટોને આજે ઘોવો તો કાલે ફરી ધૂળ ઠરી જાય છે, ઘરો-ઓફિસોના એરકન્ડીશન ફિલ્ટર વારંવાર ભરાઈને ચોક થઇ જાય છે, વાહનોના એન્જીન સાથે જોડેલા એર ફિલ્ટર પણ જામ થઇ જાય છે, નગરજનોના ઘરોમાં આવતા ડસ્ટ પાર્ટીકલ્સને લીધે ઈલેક્ટ્રોનિક ઉપકરણો બગડી જાય છે, ઉપરાંત રોજ સવારે ધોવાતા વાહનો પણ થોડી જ વારમાં ધૂળ વાળા થઇ જાય છે તેમ વડોદરા શહેરમાં ખુલ્લામાં ચાલતા ખાણીપીણીના સ્ટોલમાં રાખતા ખાદ્ય પદાર્થો પણ ધૂળ યુક્ત થઇ જાય છે, ખુલ્લા માં રાખી વેચાતી પાણીપુરી, ખારીસીંગ-ચણા, ભજીયા, સહીત બધાજ ખાદ્ય પદાર્થો ઉપર પોઈઝનસ પાર્ટીકલ્સ બેસી જતા હોય છે. તેમાં પણ ખાસ કરીને મીનીસ્ટર કે કોઈ વીવીઆઈપી આવે ત્યારે રોડ ની બન્નેવ બાજુ છંટાતા કીટાણુ નાશક બીએચસી., ડીડીટી જેવા પાવડર પણ વાહનોની અવરજવરથી ઉડે અને ખાદ્ય પદાર્થો પર બેસતા જીવને જોખમી બની જાય છે. વડોદરા શહેરમાં આવેલા વૃક્ષો, બાગબગીચા ના પર્ણો પર પણ ધૂર ઠરી જતા બિલકુલ નિસ્તેજ જણાય છે. આરટીઓ વડોદરાની પણ જવાબદારી છે કે હવાની ગુણવત્તા ભયજનક સ્થતિ પર પહોચે તે પહેલા વડોદરા શહેરી વિસ્તારમાં ચાલતા ધુમાડો ઓકતા વાહનોનું પીયુસી ચેક કરીને ઠોસ કાર્યવાહી કરે. વડોદરા શહેર માં ચાલતી કેટલીક પેસેન્જર રીક્ષાઓ, માલવાહક ટેમ્પા, તો જાણે મચ્છર નિયંત્રણ કરવાના ફોગીંગ મશીન ની જેમ ધુમાડા કાઢતા જોવા મળે છે. આવા કેટલાય કોમર્શીયલ વાહનોનું આયુષ્ય પૂરું થઇ ગયું છે, છતાય કોઈ રોકટોક વગર શહેરી વિસ્તાર માં બેફામ ચલાવ્યા કરાય છે. હવાની ગુણવત્તા ની જાળવણી કરવા ના ભાગ રૂપે આરટીઓ દ્વારા ખાસ કરીને સૌથી વધારે અવરજવર કરતા કોમર્શીયલ ટેમ્પા, રીક્ષા અને ભારદારી વાહનો ના પીયુસી ચેક કરવાના મશીનો સાથે શહેરમાં ઠેરઠેર કેમ્પનું આયોજન કરવું જોઈએ. ખરેખર તો વડોદરામાં દર પાંચ મીટરે ફરતા દેખાતા અને ધુમાડાના ગોટા ઉડાવતા રીક્ષા, થ્રી વ્હીલર ટેમ્પા, છ્ગડા બંધ કરી ને આગામી પાંચ વર્ષ બાદ ફરજીયાત ઈલેક્ટ્રિક વાહનો કરવાની જાહેરાત આજથી કરાવી જરૂરી બની છે.

વડોદરાથી પાવાગઢ પર્વત પણ નરી આંખે દેખાતો હતો તે પણ હવે દેખાતો નથી

વડોદરા શહેરમાં હવામાં ઘણા બધા પાર્ટીકલ્સ રેકર્ડ ઉપર આવ્યા છે. જેનાથી હવાની ગુણવત્તાનો આંક ભયજનક સ્થિતિએ પહોચે છે. વર્ષો પહેલા વડોદરા થી પાવાગઢ પણ નરી આંખે દેખાતો હતો તે પણ AQI કે હવા માં ખુબ વધારે પડતા પાર્ટીકલ્સ હોવાથી હવે દેખાતો નથી. ઉપરાંત હવે અત્યંત વધી ગયેલા AQI ને કારણે એરપોર્ટ ઉપરથી ફ્લાઈટ પણ કેન્સલ કરાવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.

રોડ ઉપર કાર્પેટીંગ કરતા પહેલા કોમ્પ્રેસરની હવાથી ધૂળ દુર કરવી

કોર્પોરેશનની પરવાનગીથી ચાલતા મોટા બાંધકામો, રીડેવલપમેન્ટ માટે મલ્ટી સ્ટોરી બાંધકામોનું ડીમોલીશન, બાંધકામ માટે ચલાવાતા સિમેન્ટ મિક્ષીંગ ના આરએમસી રેડી મિક્ષ કોન્ક્રેટ પ્લાન્ટ, રોડ ઉપર કાર્પેટીંગ કરતા પહેલા કોમ્પ્રેસરની હવાથી ધૂળ દુર કરવી, રસ્તા પર ના ખોદાણ ની માટી વાહનથી ઉડવી, રોડ ની ફૂટપાથ તરફની ધારો સાફ કરવા વપરાતા ધૂળ ઉડાવે તેવા વેક્યુમ ક્લીનર મશીનો, બીએચસી.,ડીડીટી પાવડરનો છંટકાવ, શહેરી માર્ગો પર ફરતા પાલિકાની માલિકીના ધુમાડો ઓકતા ભારદારી વાહનો વિગેરે પણ શહેરમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષને ભયજનક સ્થિતિમાં લઇ જવા માટે જવાબદાર છે, જેથી સૌથી પહેલા કોર્પોરેશને પોતાના વાહનોનું પીયુસી ચેક કરાવી વાહનને મરામત કરાવી લેવું જોઈએ. કેટલાક સ્થળે તો વાહનોના જુના ટાયર પણ સળગાવીને હવાની ગુણવત્તા બગાડાય છે. કેટલીક જગ્યાએ તો જુના તોડી નાખેલા મકાનોના ઇલેક્ટ્રિક વાયરોને સળગાવીને તાંબુ છુટું પાડતા પણ જાહેર માં દેખાય છે. ત્યારે વાયર ઉપરનું પીવીસી સળગે ત્યારે ઝેરી ધુમાડો નીકળતો હોય છે. આરોગ્ય વિભાગે આવું ઝેરી ધુમાડા નીકળે તે સળગાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરૂરી છે અને પ્રથમ વાર ચેતવણી આપી બાદમાં ઠોસ કાર્યવાહી કરવી જોઈએ.

ચૂંટાયેલા પદાધિકારીઓએ ધુમાડો ઓકતા પાલિકાના વાહન છોડી ઈલેક્ટ્રીક કાર વસાવી જોઈએ

વડોદરા કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ ખરેખર નગરજનોના સ્વાસ્થ્યની ચિંતા હોય તો તેમણે પણ ધુમાડા ઓકતા પાલિકાની માલિકી ના ડીઝલ વાહનો છોડી હવાની ગુણવત્તાને જરા પણ અસર નહિ કરતી ઈલેક્ટ્રિક કાર વસાવી અને ફરી, હવાની ગુણવત્તા માટે પોતે પણ ચિંતિત હોવાનું દર્શાવવું જોઈએ. અમારું માનવું છે કે જો વડોદરા શહેરમાં દરેક ચાર રસ્તા જંકશન પર અને તમામ તળાવો પર પાણી ના ફુવારા ની સંખ્યા વધારવામાં આવે તો AQI કે હવાની ગુણવત્તા સુધારી શકાય. મુખ્યમંત્રી કે કોઈ વી.આઈ.પી આવે તો રોડ રસ્તા ની બાજુઓ માં છાંટવા માં આવતો બી.એચ.સી. /ડી.ડી.ટી. પાવડર તદ્દન બંધ કરી દેવો જોઈએ. છાસવારે પોતાની સ્વપ્રસીધ્ધી ની જાહેરાતો કરાય છે. ત્યારે, વડોદરા શહેર માં AQI માત્રા માં જળવાઈ રહે તે માટે નગરજનો એ શું કરવું અને શું નાં કરવું તેની જાહેરાતો પણ કરાવી જોઈએ. : સંજય વાઘેલા,સભ્ય

સિમેન્ટના આરએમસી પ્લાન્ટને પણ જીપીસીબીની પરવાનગી વગર ચલાવી શકાય નહિ

જીપીસીબીના અધિકારીઓએ પણ એર ક્વોલીટી ઇન્ડેક્ષ ન ભયજનક સ્થિતિ એ પહોચતો રોકવા માટે પગલા લેવા જોઈએ. વડોદરા શહેરની આજુબાજુ ઘણા બધા નાના-મોટા ઉદ્યોગો ચાલે છે તેના દ્વારા છોડાતા ધુમાડા કે એફલુઅન્ટનું નિયંત્રણ કરાતું હોય તેવું લાગતું નથી. વડોદરા શહેર માં ચાલતા સિમેન્ટના આરએમસી પ્લાન્ટને પણ જીપીસીબીની પરવાનગી વગર ચલાવી શકાય નહિ. જીપીસીબીના અધિકારીઓએ પણ કચેરીમાં બેઠાબેઠા કામ કરવા સાથે હવાની ગુણવત્તા બગડતા ચોક્કસ સ્થળોની મુલાકાત લઇને તેનું નિયંત્રણ કરવું જોઈએ અને જરૂર પડે વડોદરા કોર્પોરેશનનું ધ્યાન પણ દોરવું જોઈએ અને જરૂર પડે પોતાની સત્તા વાપરી નોટીસ આપી, કામ બંધ પણ કરાવવું જોઈએ. જીપીસીબીની એ પણ જવાબદારી છે કે જયારે હવા ની ગુણવત્તા ભયજનક સ્થિતિ એ પહોચીજ ગઈ હોય ત્યારે નાગરીકો એ હવાની ગુણવત્તા જાળવી રાખવા શું નહિ કરવું અને ભયજનક સ્થિતિ એ પહોચેલી હવાની ગુણવત્તા સમયે કેવી રીતે બચી ને રહેવું તેનું માર્ગદર્શન પણ સમાચારપત્રો, ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયા થકી જાહેર કરવું જોઈએ. નગરજનો એ વધી ભયજનક સ્થિતિએ પહોચેલી હવાની ગુણવત્તાથી થતા શારીરિક નુકશાનની સામે સલામત રહેવા માટે નાક ઉપર પહેરવાના N95, KN95 કે FFP2 માસ્ક પણ ઉપલબ્ધ કરવા જોઈએ. : શૈલેષ અમીન,એડવોકેટ

ભારદારી વાહનો, કોમર્શીયલ વાહનોના પીયુસી ચેક કરી નિયંત્રણ કરવું જોઈએ

વડોદરા પોલીસ દ્વારા પણ હવાની ગુણવત્તા ભયજનક સ્થિતિએ પહોચી હોય ત્યારે ઠોસ કાર્યવાહી કરવી જોઈએ. ભયંકર કાર્બનનો ધુમાડો છોડતા ગેરકાયદેસર ફરતા ટ્રેક્ટર ટ્રેઇલર, શેરડી રસ ના ડીઝલ એન્જીન વાળા કોલા, રોજબરોજ યોજાતા વરઘોડા, ધાર્મિક યાત્રા માં ગેરકાયદેસર વગાડાતા ડીજેની સાથે કાર્બનનો ધુમાડો છોડતા ઇલેક્ટ્રિક જનરેટર વિગેરે એર ક્વોલીટી ઇન્ડેક્ષને ભયજનક સ્થિતિએ લઇ જાય છે. ખાસ કરીને ઓવરલોડ ભરેલા ટ્રકો અટલ બ્રીજ જેવા ફ્લાયઓવરના ઢાળ ચડવામાં મુશ્કેલી થતા વધુ ધુમાડા છોડે છે. શહેરમાં જેટલો ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય એટલી હવાની ગણવત્તા એટલે બગાડે કે વાહનો એકજ સ્થળે ધુમાડા છોડ્યાજ કરે. ચાર રસ્તા ઉપર ખોટા ટાઈમિંગ ધરાવતા લગાવેલા અને 24 કલાક ચાલુ રખાતી સિગ્નલ લાઈટોને કારણે ચાલુ એન્જીને વાહનોની વગર કારણે ઉભી થતી કતારો ને કારણે પણ હવાની ગુણવત્તા બગડે છે. વડોદરા પોલીસ દ્વારા ખાસ કરીને ભારદારી વાહનો, કોમર્શીયલ વાહનોના સૌથી પ્રથમ પીયુસી પણ ચેક કરીને નિયંત્રણ કરવું જોઈએ.

Most Popular

To Top