વડોદરા::રામકૃષ્ણ મિશનના મહાસચિવ સ્વામી સુવીરાનંદજીએ વર્ષ ૨૦૨૪-૨૫ની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની ભારતભરમાં આવેલી ૨૪૪ શાખાઓ દ્વારા કુલ રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.

આ સેવાકીય કાર્યોમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. ૭૪૩.૧૭ કરોડ, આરોગ્ય ક્ષેત્રે રૂ. ૫૦૦.૫૪ કરોડ, રાહત અને પુનર્વસન ક્ષેત્રે રૂ. ૧૧.૫૮ કરોડ તેમજ સામાન્ય કલ્યાણ માટે રૂ. ૪૨.૮૮ કરોડ અને ગ્રામ્ય તથા આદિવાસી સેવા માટે રૂ. ૨૯.૩૪ કરોડનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓથી દેશભરમાં અંદાજે ૨૨૨.૦૭ લાખ લોકોને સીધો લાભ મળ્યો હતો.
સ્વામી સુવીરાનંદજીએ વધુમાં જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મઠ અને મિશનની નવી શાખાઓ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના આદિપૂર ખાતે નવી શાખાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા “રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન” અંતર્ગત પાંચ સંસ્થાઓમાં એક “નેચરલ ફાર્મિંગ સેન્ટર” તરીકે રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા NIRF રેન્કિંગમાં રામકૃષ્ણ મિશન સંચાલિત અનેક કોલેજોએ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.
આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં રામકૃષ્ણ મઠ-મિશનના સંન્યાસીઓ, શુભચિંતકો અને ભક્તોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હોવાનું સ્વામી સુવીરાનંદજીએ જણાવ્યું હતું.