National

હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં કોન્સ્ટેબલ ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજા જાહેરનામા મુજબ BSF કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટેનો અનામત ક્વોટો 10 ટકાથી વધારીને સીધો 50 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર BSF જનરલ ડ્યુટી કેડર (નોન-ગેઝેટેડ) ભરતી નિયમો–2015માં સુધારા કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે.

વય મર્યાદામાં પણ મળશે છૂટ

સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 18થી 23 વર્ષની હોય છે પરંતુ પૂર્વ અગ્નિવીરોને તેમાં વિશેષ છૂટ મળશે;

  • પ્રથમ બેચના અગ્નિવીરો માટે: મહત્તમ 5 વર્ષની છૂટ.
  • ત્યારબાદની બેચના અગ્નિવીરો માટે: મહત્તમ 3 વર્ષની છૂટ.

ફિઝિકલ ટેસ્ટ આપવી નહીં પડે
ભરતી નિયમોમાં સૌથી મોટી રાહત એ છે કે પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જોકે તેમને લેખિત પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે અગ્નિવીરો પહેલેથી જ કઠોર સૈન્ય તાલીમ મેળવી ચૂક્યા હોવાથી ફરીથી શારીરિક પરીક્ષા લેવાની જરૂર નથી.

ભરતી પ્રક્રિયા
BSF કોન્સ્ટેબલ બનવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મું પાસ રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 50% બેઠકો પર માત્ર પૂર્વ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતી કરવામાં આવશે.

અગાઉ તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે માત્ર 10 ટકા અનામત હતી પરંતુ હાલનો સુધારો ફક્ત BSF માટે લાગુ પડશે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી અગ્નિપથ યોજના હેઠળ સેવા આપેલા યુવાનોને કાયમી રોજગાર મળશે અને સુરક્ષા દળોને અનુભવી, શિસ્તબદ્ધ તથા તાલીમપ્રાપ્ત જવાનો મળશે. જે દેશની સરહદ સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Most Popular

To Top