હાલોલ:
હાલોલ ટાઉન પોલીસ દ્વારા વધુ એક વખત માનવતાપૂર્ણ અને પ્રશંસનીય કામગીરી કરી ગુમ થયેલા બાળકને સુરક્ષિત રીતે શોધી તેના માતા-પિતાને સુપ્રત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સંતોષની લાગણી પ્રસરી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ નગરમાં રહેતો મનન રીતેશભાઈ પટેલ ગતરોજ બપોરના સમયે રેશન રોડ વિસ્તારમાં રહેતા પોતાના મિત્રના ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ લાંબો સમય વીતી જવા છતાં મનન ઘરે પરત ન ફરતા તેના માતા-પિતાએ આસપાસ તેમજ સંબંધીઓમાં શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મનન મિત્રના ઘરેથી નીકળી ગયો હતો, પરંતુ પોતાના ઘરે પહોંચ્યો ન હતો.

આ ઘટનાને લઈ ચિંતિત અને ગભરાયેલા માતા-પિતાએ અંતે હાલોલ ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. નાનાં બાળકના ગુમ થવાના બનાવને અત્યંત ગંભીરતાથી લઈ હાલોલ ટાઉન પોલીસના પી.આઇ. આર.એ. જાડેજાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી પોલીસ ટીમો રચી સ્થાનિક લોકોની મદદ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને સીસીટીવી ફૂટેજના સચોટ વિશ્લેષણના પરિણામે ટૂંકા સમયમાં સફળતા મળી હતી અને ગુમ થયેલા બાળકને પાવાગઢ વિસ્તારના ખાતેથી શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને પોલીસ કબજામાં લઈ હેમખેમ તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
બાળકને સલામત જોઈ માતા-પિતા ભાવુક બની ગયા હતા અને તેમણે હાલોલ ટાઉન પોલીસની સરાહનીય કામગીરી, પી.આઇ. જાડેજા તેમજ આ ઘટનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય કરનાર તમામ લોકોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર હાલોલ ટાઉન પોલીસની સતર્કતા, ઝડપી કાર્યવાહી અને માનવતાપૂર્ણ અભિગમને ઉજાગર કર્યો છે.
રિપોર્ટર::યોગેશ ચૌહાણ