(પ્રતિનિધિ) વડોદરા, તા. 20
દિલ્હીમાં ખરાબ હવામાન અને ઘનઘોર ધુમ્મસ (ફોગ)ના કારણે હવાઈ મુસાફરી પર ભારે અસર જોવા મળી રહી છે. વહેલી સવારે ઝીરો વિઝીબિલિટી સર્જાતા અનેક ડોમેસ્ટિક ફ્લાઈટો રદ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને કારણે વડોદરા એરપોર્ટ પરથી સંચાલિત IndiGoની 6E 5066/6662 દિલ્હી–વડોદરા–દિલ્હી ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, Indira Gandhi International Airport વિસ્તારમાં વહેલી સવારે ભારે ધુમ્મસ છવાતાં ટેકઓફ અને લેન્ડિંગ માટે મુશ્કેલીઓ સર્જાઈ હતી. જેના પગલે દિલ્હી–વડોદરા–દિલ્હી રૂટની ફ્લાઈટને કેન્સલ કરવાની ફરજ પડી. આ અસર સીધી રીતે Vadodara Airport પર પણ પડી હતી અને મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ Directorate General of Civil Aviation (DGCA)ના નવા નોટિફિકેશન બાદ પાયલોટ અને ક્રૂ મેમ્બર ઉપલબ્ધિ અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેના કારણે IndiGoની અનેક ફ્લાઈટો રદ થવાની સ્થિતિ સર્જાઈ હતી. હાલ તે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે, પરંતુ હવે હવામાનની મારને કારણે ફરીથી ફ્લાઈટ ઓપરેશન પ્રભાવિત થઈ રહ્યું છે.
આ સિવાય, શુક્રવારે સવારે પણ વડોદરાથી દિલ્હી જતી Air Indiaની ફ્લાઈટ રદ કરાઈ હતી. વાતાવરણની સ્થિતિને ધ્યાનમાં રાખી એર ઈન્ડિયાએ શનિવારની ફ્લાઈટ પણ અગાઉથી રદ જાહેર કરી હતી. સામાન્ય રીતે વડોદરાથી દિલ્હીની ફ્લાઈટ સવારે 7:50 કલાકે ટેકઓફ કરે છે, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ કેન્સલ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં પણ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા હોવાથી મુસાફરોને ફ્લાઈટ સ્ટેટસ અંગે એરલાઈન્સ સાથે સતત સંપર્કમાં રહેવા અને અગાઉથી માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે.