Vadodara

સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા


મહલી તલાવડી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, દીકરીના પ્રેમી સહિત બે આરોપીની ધરપકડ
સગીર દીકરીના ઇશારે પ્રેમીએ પિતાની હત્યા કરી, બારીમાંથી દીકરીએ જોયો મોતનો નજારો
(પ્રતિનિધિ) વડોદરા, તા.20
પાદરા–ડભાસા રોડ પર મહલી તલાવડી ગામે થયેલી ચકચારજનક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ હત્યામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે સગીર દીકરીએ જ પોતાના પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તેના પ્રેમી દ્વારા પિતાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ બનાવે સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાવી દીધો છે.
પ્રેમસંબંધમાં પિતા બન્યા અવરોધ
મહલી તલાવડી ખાતે રહેતા શનાભાઈ ચાવડા પોતાની પત્ની રમીલાબેન, 17 વર્ષની દીકરી અંશુ અને 15 વર્ષના દીકરા સાથે રહેતા હતા. અંશુનો ગામના યુવક રણજીત વાઘેલા સાથે પ્રેમસંબંધ હતો, જેને શનાભાઈએ સ્વીકાર્યો ન હતો. અગાઉ સગીર દીકરી પ્રેમી સાથે ભાગી જતા પિતાએ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે રણજીત વાઘેલા જેલ ગયો હતો.
પહેલાં પણ હત્યાનો નિષ્ફળ પ્રયાસ
પિતાને રસ્તામાંથી હટાવવાનો દીકરીનો ઈરાદો અગાઉ પણ સામે આવ્યો હતો. થોડા દિવસ અગાઉ અંશુએ પોતાના માતા–પિતાને ઊંઘની ગોળીઓ પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માતા જાગી જતા પ્લાન નિષ્ફળ રહ્યો હતો.
ઊંઘમાં ચાકુના ઘા, બારીમાંથી દીકરીએ જોયું બધું
જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ રણજીત વાઘેલા અંશુ સાથે ફરી સંપર્કમાં આવ્યો. અંશુએ તેને ફોન પર જણાવ્યું કે તેના પિતા રાત્રે ઘરની બહાર ઓરડીમાં એકલા ઊંઘે છે. 18 ડિસેમ્બરની રાત્રે રણજીત વાઘેલા પોતાના સાગરીત ભવ્ય મહેશ વસાવા સાથે ચાકુ લઈને મહલી તલાવડી પહોંચ્યો. રેકી કર્યા બાદ ઊંઘી રહેલા શનાભાઈના છાતીના ભાગે ત્રણ ઘા મારી તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. આ દરમિયાન સગીર દીકરી બારીમાંથી પિતાની હત્યા થતી જોઈ રહી હતી.
ધમકી અગાઉથી જ અપાઈ હતી
મૃતકના ભાઈ મોતી ચાવડાના જણાવ્યા મુજબ, રણજીત વાઘેલાએ અગાઉ ધમકી આપી હતી કે “હું અંશુ સાથે જ લગ્ન કરીશ, જરૂર પડે તો પરિવારના કોઈને પણ મારી નાખીશ.” આ વાત શનાભાઈએ પાંચેક દિવસ પહેલાં પરિવારજનોને કહી હતી.
ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
હત્યાની ફરિયાદ નોંધાતા પાદરા પોલીસ સહિત એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી હતી. સંયુક્ત ઓપરેશન દ્વારા ગણતરીના કલાકોમાં જ રણજીત વાઘેલા અને તેના સાગરીત ભવ્ય પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ વડા મુજબ, સગીર દીકરીના કહેવાથી તેના પ્રેમીએ પિતાની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ પ્રેમસંબંધ, પરિવાર વિખવાદ અને કાયદાની ગંભીર ચેતવણીરૂપે સમગ્ર સમાજને ઝંઝોળી નાંખ્યો છે.

Most Popular

To Top