ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખાનગી ક્ષેત્રની મોટી બેંક પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. RBIએ બેંકિંગ નિયમોનું યોગ્ય પાલન ન કરવા બદલ આ બેંક પર રૂ 61.95 લાખ (લગભગ રૂ 62 લાખ)નો નાણાકીય દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી RBI દ્વારા બેંકિંગ વ્યવસ્થામાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે કરવામાં આવી છે.
અહેવાલ મુજબ RBI કેન્દ્રીય બેંકે કોટક મહિન્દ્રા બેંકેને દંડ ફટકાર્યો છે. કોટક બેન્કે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBD), બિઝનેસ કોરસપોન્ડન્ટ નિયમો અને ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઝ (CIC) રૂલ્સ, 2006 સંબંધિત નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું નથી.
RBIને તપાસમાં શું ખામીઓ મળી?
RBIએ 31 માર્ચ 2024 સુધીના સમયગાળામાં બેંકનું Statutory Inspection and Evaluation (ISE 2024) કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે;
- કેટલાક ગ્રાહકોના પહેલેથી BSBD ખાતા હોવા છતાં તેમના માટે નવા BSBD ખાતા ખોલવામાં આવ્યા
- બેંકે સ્થાપિત કાર્યક્ષેત્રની બહાર પ્રવૃત્તિઓ કરવા માટે વ્યવસાયિક સંવાદદાતાઓ સાથે કરાર કર્યા
- કેટલાક દેવાદારો અંગે ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઝને ખોટી અથવા અધૂરી માહિતી આપવામાં આવી
આ ખામીઓને ગંભીર માનીને RBIએ બેંકને પહેલા કારણ બતાવો નોટિસ (Show Cause Notice) આપી હતી. બેંકની દલીલો પર વિચાર કર્યા પછી આરોપો સાચા હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી RBI દ્વારા બેંકને દંડ ફટકારવામાં આવ્યો. RBIએ ગઈ કાલે શુક્રવારે ઓફિસિયલ માહિતી આપી હતી.
શું ખાતા ધારકો પર અસર પડશે?
આ મુદ્દે RBI એ સ્પષ્ટતા કરી છે કે આ દંડની સીધી કોઈ અસર બેંકના ખાતા ધારકોની સેવા અથવા ખાતાઓ પર નહીં પડે. એટલે કે ખાતા ધારકો તેમના અકાઉન્ટ, જમા કરેલ રકમ અથવા લોન અંગે ચિંતા કરવાની જરૂર નથી.
શેરબજારમાં શું અસર થશે?
RBIની આ કાર્યવાહીનો અસર કોટક મહિન્દ્રા બેંકના શેર પર આગામી ટ્રેડિંગ દિવસે જોવા મળી શકે છે. ગઈ કાલે શુક્રવારે શેર બજાર બંધ થતાં કોટક મહિન્દ્રા બેંકનો શેર રૂ 2159.60 પર બંધ થયો હતો. લગભગ રૂ 4.29 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી આ બેંકે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને અંદાજે 24% વળતર આપ્યું છે.
RBIનો સ્પષ્ટ સંદેશ
RBI દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે નિયમોના ઉલ્લંઘન સામે કેન્દ્રીય બેંક કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખશે નહીં, ભલે બેંક કેટલી મોટી કેમ ન હોય.