Halol

રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ

હાલોલ:;પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે આવેલી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત તથા ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે ગૌશાળાની મુલાકાત લઈ ગૌસેવા તથા ગૌ સંવર્ધન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલે જણાવ્યું હતું કે નારાયણ ગીર ગૌશાળા દ્વારા શરૂ કરવામાં આવેલા જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્ર પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વ્યાજબી ભાવે આ ઉત્પાદન ઉપલબ્ધ થતાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ઝડપી ગતિએ વધશે અને ખેડૂતોની ખેતી ખર્ચમાં ઘટાડો થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ અવસરે રાજ્યપાલે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગૌમાતા આધારિત ખેતી પદ્ધતિથી જમીનની ઉપજક્ષમતા વધે છે તેમજ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે છે, જે આરોગ્ય અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ મદદનીશ કલેકટર ઈ. સુસ્મિતા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ગ્રામ સરપંચો, અગ્રણીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top