મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટી પ્રગતિ, અવસાન પામેલા અને સ્થળાંતરિત મતદારોની સચોટ ઓળખ
કવાંટ:
છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણ અને સુધારણા પ્રક્રિયામાં વહીવટી તંત્રને નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લામાં કુલ ૮,૪૨,૨૮૦ મતદારો પૈકી ૭,૭૬,૯૪૫ મતદારો પાસેથી ગણતરી ફોર્મ મેળવવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ તમામ ૭.૭૬ લાખથી વધુ ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કરવામાં આવેલા ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન મતદાર યાદીમાં રહેલી ખામીઓની સચોટ ઓળખ કરવામાં આવી છે. સર્વેમાં નીચે મુજબની વિગતો સામે આવી છે:
અવસાન પામેલા મતદારો: ૨૭,૬૪૭
કાયમી રીતે સ્થળાંતરિત મતદારો: ૨૭,૯૯૪
અનટ્રેસેબલ મતદારો: ૪,૨૨૪
ઓલરેડી ઇનરોલ્ડ (બેવડા નામ): ૪,૪૬૮
અન્ય કારણો: ૧,૦૦૩
આ ચકાસણીથી મતદાર યાદી વધુ પારદર્શક અને ચોક્કસ બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
વાંધા-દાવા માટે સમયમર્યાદા જાહેર
મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય, નામમાં સુધારો કરવો હોય કે નામ કમી કરાવવાની જરૂર હોય એવા નાગરિકો માટે તંત્ર દ્વારા સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે.
વાંધા-દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ: ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬
વાંધા-દાવાના નિકાલની છેલ્લી તારીખ: ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬
નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા સાથે પોતાની રજૂઆત કરે, જેથી અંતિમ મતદાર યાદી સંપૂર્ણ, ચોક્કસ અને નિષ્પક્ષ બનાવી શકાય.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો પ્રયાસ
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને ભૂલરહિત બનાવવાનો અને આગામી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
મતદાર યાદી શુદ્ધિકરણથી લોકશાહીની મજબૂતી અને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ વધશે, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટર : પંચાલ ભાવેશ