મલયાલમ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને લેખક શ્રીનિવાસનનું આજે 20 ડિસેમ્બરે 69 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ફિલ્મ ઉદ્યોગના સૂત્રોએ તેમના અવસાનની પુષ્ટિ કરી છે. જેને પગલે મલયાલમ સિનેમામાં શોકની લહેર છવાઈ ગઈ છે.
કુન્નુરના વતની શ્રીનિવાસન છેલ્લા કેટલાક વર્ષોથી કોચીમાં વસવાટ કરતા હતા. તેમણે પોતાના લાંબા ફિલ્મી કારકિર્દીમાં 200થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1976માં પી.એ. બેકરની ફિલ્મ “મણિમુઝક્કમ”થી તેમણે સિનેમામાં જગતમાં પગ મૂક્યો હતો. જ્યારે 1979માં “સંગનમ” ફિલ્મમાં મુખ્ય ભૂમિકાથી તેમની ઓળખ મજબૂત બની હતી. અભિનય સાથે સાથે તેમણે પટકથા લેખન અને દિગ્દર્શનમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
શ્રીનિવાસનને તેમની કારકિર્દીમાં અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા હતા. તેમને એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, બે ફિલ્મફેર એવોર્ડ (દક્ષિણ) અને છ કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. “સંદેશમ” અને “મઝાયેથુમ મુનપે” જેવી ફિલ્મો માટે શ્રેષ્ઠ પટકથા લેખન બદલ તેમને વિશેષ પ્રશંસા મળી હતી.
પ્રિયદર્શન, સત્યન અંતિકડ અને કમલ જેવા દિગ્દર્શકો સાથે તેમના સહયોગથી મલયાલમ સિનેમાના કોમેડી અને સામાજિક નાટ્ય શૈલીને નવી દિશા મળી. સામાન્ય માણસના પાત્રોને સરળતા, વાસ્તવિકતા અને સૂક્ષ્મ વ્યંગ સાથે રજૂ કરવી એ તેમની ખાસ ઓળખ હતી.
ચેન્નાઈ સ્થિત તમિલનાડુ ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાંથી મેળવેલી ઔપચારિક તાલીમે તેમની કારકિર્દીનો મજબૂત પાયો રચ્યો.
મલયાલમ સિનેમાએ આજે એક એવા કલાકારને ગુમાવ્યો છે જેમણે દાયકાઓ સુધી પોતાના કામથી પ્રેક્ષકોના દિલ જીત્યા.