(પ્રતિનિધિ) વડોદરા, તા.19
વડોદરા શહેરમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદ મળી રહે તે માટે મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ નજીક રૂ. 19 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી હરણી તેમજ આસપાસના વિસ્તારોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આ ફાયર સ્ટેશનનો મુખ્ય હેતુ ફાયર વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનો અને કટોકટીના સમયે તાત્કાલિક સેવા સુલભ કરાવવાનો છે. ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેશન પર જ રહેઠાણની સુવિધા મળશે, જેથી કોઈ પણ ઇમર્જન્સીમાં સમયનો વ્યર્થ ખર્ચ ટાળી શકાય.
આ સમગ્ર પ્રોજેક્ટ 6155.85 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. ફાયર સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર 10 ફાયર ટ્રક માટે ડબલ હાઇટની ઓપન સ્પેસ, સર્વિસ સ્ટેશન, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, કન્ટ્રોલ રૂમ, સ્ટ્રોંગ રૂમ, લોકર રૂમ, ચેન્જ રૂમ અને જીમની વ્યવસ્થા રહેશે. ઉપરાંત ફોયર, પાણીની સુવિધા, લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ ટોયલેટ બ્લોક, ટ્રેનિંગ રૂમ અને કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવશે. અધિકારીઓની કેબિન, રેકોર્ડ રૂમ, ડાયનિંગ રૂમ, ફાયર ડ્રિલ એરિયા સહિતની પાયાની સુવિધાઓ પણ પ્રોજેક્ટમાં સામેલ છે.
આ સાથે ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે એ જ બિલ્ડિંગમાં કુલ 45 જેટલા 2BHK અને 3BHK સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવશે.
નવા ફાયર સ્ટેશનના નિર્માણથી હરણી વિસ્તાર સહિત આસપાસના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં આગ સામેની સુરક્ષા વધુ સચોટ અને ઝડપી બનશે. મહાનગરપાલિકાના આ પગલાને શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવનાર મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.