સિંગવડ:;સિંગવડ તાલુકાના પસાયતા ગામે ગત રાત્રે અંદાજે 6.30 વાગ્યાના અરસામાં થયેલા ગંભીર માર્ગ અકસ્માત બાદ ફરાર થયેલા ટેમ્પા ચાલકને રણધીપુર પોલીસે ઝડપી લઈ ટેમ્પા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પીપલોદ તરફથી યામાહા મોટરસાયકલ નં. GJ-06 CK-0872 લઈને લુખાવાડા ગામના રહેવાસી ગણપતભાઈ રામસિંગભાઈ પટેલ (ઉંમર 52) પસાયતા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની પાછળથી પીપલોદથી રણધીપુર તરફ જઈ રહેલો દૂધ ભરેલો ટેમ્પા નં. GJ-20 X-0420ના ચાલકે ટેમ્પો પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતા પસાયતા ચોકડીથી થોડું દૂર ગણપતભાઈની યામાહા ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
ટક્કરના કારણે ગણપતભાઈ રસ્તા પર પટકાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પા ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ ગણપતભાઈના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ મામલે લુખાવાડા ગામના શિરીસભાઈ કીકાસિંહ પટેલ દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે અકસ્માત કરીને ફરાર થયેલા દૂધના ટેમ્પા ચાલકને તથા સંડોવાયેલા ટેમ્પાને ટૂંકા સમયમાં શોધી કાઢી કબજે લીધા હતા.
રણધીપુર પોલીસે ટેમ્પા ચાલકને તથા વાહનને પોલીસ સ્ટેશન ખાતે હાજર કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.