CCTV વીડિયો વાયરલ થતા પોલીસ કામગીરી સામે સવાલોનો મારો
“સાહેબ, અમારી સુરક્ષા ક્યારે?”
આજવા ચોકડી વિસ્તારમાં વાહન ચોરીના વધતા ગ્રાફથી રહીશોમાં ભારે ફફડાટ

વડોદરા | પ્રતિનિધિ
સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. શહેરના આજવા ચોકડી નજીક આવેલા કાના હાઈટ્સની નીચે કાર્યરત ઓનલાઇન ગ્રોસરી સ્ટોર ‘બ્લિંકિટ’માં ડિલિવરી બોય તરીકે કામ કરતા શ્રમિક યુવકની એક્ટિવા ચોરી જતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સમગ્ર ચોરીની ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી અનુસાર, આજવા ચોકડી સ્થિત કાના હાઈટ્સમાં આવેલા ‘બ્લિંકિટ’ સ્ટોરમાં ફરજ બજાવતા યુવકે દરરોજની જેમ પોતાની એક્ટિવા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન એક અજાણ્યો તસ્કર પાર્કિંગમાં પ્રવેશ્યો અને નજર ચૂકવીને ક્ષણોમાં જ એક્ટિવા લઈને ફરાર થઈ ગયો.
યુવક જ્યારે ઓર્ડર ડિલિવરી માટે બહાર આવ્યો ત્યારે પોતાની ગાડી ગાયબ જોઈ તેના હોશ ઉડી ગયા હતા. બાદમાં પાર્કિંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા જણાયું હતું કે ચોર ખૂબ જ સાતિર રીતે પાર્કિંગમાં આવ્યો હતો અને જાણે પોતાની જ ગાડી હોય તેમ બિન્દાસ્ત રીતે એક્ટિવા લઈને નિકળી ગયો હતો.
હાલમાં આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક સામાન્ય મધ્યમવર્ગીય યુવક, જે આખો દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેની રોજીરોટી સમાન વાહન ચોરી જતા તે ગંભીર મુશ્કેલીમાં મુકાયો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બોક્સ : પોલીસ પેટ્રોલિંગ સામે સવાલોના ઘેરામાં…
આ ઘટનાને પગલે આજવા ચોકડી વિસ્તારના રહીશો અને વેપારીઓમાં રોષ અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે—
- જો ધોળે દિવસે ભીડભાડવાળા વિસ્તારમાંથી વાહનો ચોરી શકાય છે, તો રાત્રિના સમયે સુરક્ષાનું શું?
- પોલીસ દ્વારા કરવામાં આવતા સઘન પેટ્રોલિંગના દાવાઓ ક્યાં ગયા?
- શું હવે ગુનેગારોમાં પોલીસનો જરા પણ ખોફ રહ્યો નથી?
વાહન ચોરીના વધતા બનાવોને પગલે વિસ્તારના નાગરિકો દ્વારા પોલીસ તંત્ર પાસે કડક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે.