Vadodara

વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!

ગોકુલ નગરમાં સીસીટીવી કેમેરા સામે જ ખેલાયો ખતરનાક ખેલ; અટલાદરા પોલીસે તેજ કરી તપાસ

વડોદરા:; શહેરમાં અસામાજિક તત્વોનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ જણાય છે. ગત મોડી રાત્રે વડોદરાના કલાલી ફાટક પાસે આવેલી ગોકુલ નગર સોસાયટીમાં તસ્કરો કે અસામાજિક તત્વોએ રસ્તા પર પાર્ક કરેલી એક પીકઅપ વાનને નિશાન બનાવી હતી. અજાણ્યા બે શખ્સોએ વાનમાં આગ ચાંપી પલાયન થઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ગોકુલ નગર વિસ્તારમાં રાત્રિના સમયે એક પીકઅપ વાન પાર્ક કરેલી હતી. આ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વાન પાસે ઉભા રહી જલદ પદાર્થ અથવા અન્ય કોઈ રીતે વાનમાં આગ ચાંપી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે વાનનો આગળનો ભાગ જોતજોતામાં લપેટમાં આવી ગયો હતો. સ્થાનિકોએ ધુમાડો અને જ્વાળાઓ જોતા જ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બનાવ અંગેની જાણ થતાં જ અટલાદરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ કબજે કરીને પોલીસે આરોપીઓના બાઇક નંબર અને તેમના દેખાવના આધારે શોધખોળ તેજ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવત છે કે અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવેલો ભય, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

CCTVમાં કેદ થઈ સમગ્ર કરતૂત…

આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
*​એક બાઇક પર બે શખ્સો સવાર થઈને આવે છે.
*​તેઓ વાન પાસે થોડો સમય ઉભા રહે છે અને આગ ચાંપે છે.
*​કૃત્યને અંજામ આપીને તેઓ ગણતરીની સેકન્ડોમાં બાઇક પર ફરાર થઈ જાય છે.

Most Popular

To Top