National

સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. X દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા ફીચર મુજબ છેલ્લા 30 દિવસમાં ભારતમાં સૌથી વધુ લાઈક કરાયેલા ટ્વીટ્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ટોચના 10માંથી 8 ટ્વીટ્સ પીએમ મોદીના છે. આ યાદીમાં અન્ય કોઈ પણ ભારતીય રાજકીય નેતાનું ટ્વીટ સામેલ નથી. જે પીએમ મોદીની ડિજિટલ પહોંચ અને પ્રભાવને સ્પષ્ટ કરે છે.

Xના નવા ફીચર દ્વારા યુઝર્સ હવે દર મહિને સૌથી વધુ લાઈક થયેલા ટ્વીટ્સ જોઈ શકે છે. આ યાદીમાં પીએમ મોદીની પ્રભાવશાળી હાજરી જોવા મળી છે. દેશ-વિદેશમાં કરોડો ફોલોઅર્સ ધરાવતા પીએમ મોદી સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને તેમના વિચારો, આંતરરાષ્ટ્રીય મુલાકાતો તેમજ સંસ્કૃતિ સંબંધિત પોસ્ટ્સ લોકોને વિશેષ રીતે આકર્ષે છે.

છેલ્લા 30 દિવસમાં સૌથી વધુ પસંદ કરાયેલ ટ્વીટ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને રશિયન ભાષામાં ભગવદ ગીતાની નકલ ભેટ આપવાની બાબત પર કર્યો હતો. આ ટ્વીટને 23 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. તેમજ તે પોસ્ટ 67 લાખ સુધી પહોંચી છે અને લગભગ 29 હજાર વખત તેને રીટ્વીટ કરવામાં આવ્યું છે.

X દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ટોચના 10માં સામેલ અન્ય બે ટ્વીટ્સ સિવાય બાકીના તમામ પીએમ મોદીના છે. જે દર્શાવે છે કે ભારતીય રાજકારણમાં સોશિયલ મીડિયા પર તેમનો દબદબો છે. અન્ય કોઈ નેતા આ યાદીમાં નજીક પણ નથી.

ઉલ્લેખનીય છે કે એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દર વર્ષે પણ સૌથી વધુ પસંદ કરાયેલા ટ્વીટ્સની યાદી જાહેર કરતું હોય છે. ગયા વર્ષે વિરાટ કોહલી, પીએમ મોદી અને T20 વર્લ્ડ કપ જીત સંબંધિત ટ્વીટ્સ સૌથી વધુ પસંદ કરાયેલા હતા. જોકે 2025 માટેની વાર્ષિક યાદી હજુ જાહેર કરવામાં આવી નથી. જે આગામી મહિનામાં આવવાની શક્યતા છે.

Most Popular

To Top