Vadodara

પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા

ઘરના આગળના ભાગે ઊંઘી રહેલા યુવકને નિશાન બનાવી હત્યારા ફરાર

પાદરા પોલીસ અને એલસીબીની ટીમો દોડી આવી, સીસીટીવી આધારે તપાસ શરૂ

વડોદરા તા.19

પાદરા–જંબુસર હાઇવે પર મહલી તલાવડી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે એક યુવકની નિર્મમ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘરના આગળના ભાગે ઊંઘી રહેલા યુવકને અજાણ્યા શખ્સોએ ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે પરિવારના સભ્યો અંદરના રૂમમાં ઊંઘતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મહલી તલાવડી પાસે રહેતા રાણાભાઈ રાવજીભાઈ ચાવડા રાત્રિના સમયે પોતાના ઘરના આગળના ભાગે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન 18 ડિસેમ્બરની મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ત્યાં આવી ઊંઘી રહેલા રાણાભાઈના છાતીના ભાગે ચાકુના ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

વહેલી સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે રાણાભાઈ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા હોવાનું જોઈ પત્ની તથા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ સંબંધીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાદરા પોલીસ તેમજ એલસીબીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. રાણાભાઈ ચાવડાની હત્યા કયા કારણોસર અને કોના દ્વારા કરવામાં આવી તે બાબતે પાદરા પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top