ગાંધીનગર: ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજાશે. જયારે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરીને મુસદ્દા મતદારયાદીની હાર્ડ કોપી તથા સોફટ કોપી સુપ્રત કરશે.
ચૂંટણી પંચની સુચના મુજબ બુથ લેવલ એજન્ટો સાથે બુથ લેવલ ઓફિસર્સની તમામ મતદાન મથકોએ મિટિંગ પૂર્ણ કરવામાં આવેલી છે, તથા તેઓને ASD (ગેરહાજર, સ્થાંળતરિત, મૃત) મતદારોની યાદી પણ આપવામાં આવીછે. મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ, તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.જો મતદારનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે સોગંદનામું રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. જો મુસદ્દા મતદારયાદીમાં દર્શાવેલી વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે. મુસદ્દા મતદારયાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.