Dahod

દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ

અન્ય રાજ્યોની ઠગાઈની રકમ દાહોદના ખાતામાં ટ્રાન્સફર

દાહોદ, તા.18 |
દેશભરમાં સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે અને લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. NCRP પોર્ટલ અને બેંકો સાથેના સમન્વય દ્વારા પોલીસે દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓના દુરુપયોગનો ભંડાફોડ કર્યો છે. શેરબજારમાં રોકાણના બહાને તેમજ અન્ય માધ્યમોથી ઓનલાઈન ઠગાઈ કરી ટ્રાન્ઝેક્શન કરવાના ચાર અલગ અલગ ફરિયાદોમાં કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં અત્યાર સુધીમાં ₹19.44 લાખથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોના ફરિયાદીઓ સાથે થયેલી લાખોની ઠગાઈની રકમ દાહોદ જિલ્લાના વિવિધ લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પ્રથમ કેસમાં દાહોદના કલ્પેશ ડબગરના ખાતામાં શંકાસ્પદ રકમ જમા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

નગરાળા અને પીછોળાના ખાતામાં લાખોની હેરફેર

બીજા કેસમાં નગરાળાના નવલભાઈ માવીના ખાતામાં ₹2.89 લાખના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. જ્યારે સૌથી મોટી કાર્યવાહી પીછોળા ગામના જીગ્નેશ ડામોરના ખાતામાં સામે આવી છે, જેમાં વિવિધ ફરિયાદોના આધારે એક જ ખાતામાંથી ₹12.10 લાખ જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન થયાનું ખુલ્યું છે.

દેવગઢબારિયામાં ખાલી ચેકનો દુરુપયોગ

ચોથા કેસમાં દેવગઢબારિયાના રોશન કુમારના બેંક ખાતામાં ₹2 લાખ જમા કરી તરત જ નાણા ઉપાડી લેવાયા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે રોશન કુમારે વિશ્વાસમાં આવી પોતાના સંબંધી કરણભાઈને બે ખાલી ચેક આપ્યા હતા, જેનો મૌલિક સોની અને તેની પત્ની આરતીબેને સાયબર ફ્રોડ માટે ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર કાવતરું કરણના મિત્ર દીપ સોનીના માર્ગદર્શન હેઠળ રચાયું હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે રોશન કુમારનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે.

ટ્રાન્ઝેક્શન કરોડોમાં હોવાની શક્યતા

આ સમગ્ર કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ₹19.44 લાખથી વધુની રકમનો સીધો હિસાબ સામે આવ્યો છે. જોકે, અન્ય લિંક થયેલા ટ્રાન્ઝેક્શનની તપાસ ચાલુ હોવાથી આ આંકડો કરોડોમાં પહોંચવાની સંભાવના પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ ખાતાઓ અને સંડોવાયેલા લોકો અંગે તપાસ તેજ કરવામાં આવી છે.

Most Popular

To Top