દાહોદ, તા.18 |
જૂની ગાડીઓના લે-વેચના વ્યવસાયમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો ગંભીર બનાવ દાહોદમાં સામે આવ્યો છે. અમદાવાદના જૂની ગાડીઓના વેપારીને બે ગાડીઓના રૂપિયા ચૂકવ્યા છતાં ન તો ગાડીઓ આપવામાં આવી અને ન તો રૂપિયા પરત કરાતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ફોન-પે દ્વારા ચુકવણી છતાં ગાડી ન મળી
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ ગોધરા રોડ, નવરંગ સોસાયટી ખાતે રહેતા અને જૂની ગાડીઓનો ધંધો કરતા અસલમખાન નિઝામખાન પઠાણે અમદાવાદના કાંકરિયા રોડ, વાણિજ્ય ભવન ખાતે જૂની ગાડીઓના વેપાર સાથે સંકળાયેલા પ્રવીણકુમાર હનુમાનચંદ જૈન પાસેથી તા. 5-3-2025ના રોજ એક જૂની ઇનોવા તથા એક સ્વીફ્ટ ગાડી ખરીદવાનું નક્કી કર્યું હતું. સોદા મુજબ બીજા જ દિવસે અસલમખાને બે વખત ફોન-પે દ્વારા કુલ ₹1.98 લાખ પ્રવીણકુમાર જૈનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
ન ગાડીઓ આપી, ન રૂપિયા પરત
રૂપિયા ચૂકવ્યા બાદ પણ પ્રવીણકુમાર જૈને નક્કી કરેલી ગાડીઓ અસલમખાન પઠાણને આપી નહોતી તેમજ ગાડીઓ પેટે ચૂકવેલી રકમ પણ પરત ન કરતા વિશ્વાસઘાત અને ઠગાઈ થયાનું બહાર આવ્યું છે. વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા અંતે અસલમખાને કાયદાનો આશરો લીધો હતો.
દાહોદ A-ડિવિઝન પોલીસમાં ફરિયાદ
આ બાબતે અસલમખાન નિઝામખાન પઠાણે દાહોદ A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અમદાવાદના પ્રવીણકુમાર હનુમાનચંદ જૈન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316 અને 318 મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ
પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે જૂની ગાડીઓના વેપારમાં સાવચેત રહેવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.