Kalol

કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો

ફેરફાર રિપોર્ટ નામંજૂર થતા વિવાદ ભડક્યો
કાલોલ;
કાલોલના શામળદેવી રોડ પર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં ગંભીર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ પોતાની કાયદેસરની ફરજો બજાવવા શાળાની ટ્રસ્ટ ઓફિસમાં પહોંચ્યા ત્યારે તેમને અટકાવી ઝપાઝપી કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં નારણભાઇ પટેલ અને અન્ય ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોવા છતાં ફાલ્ગુનભાઇ પટેલ અને વિનય ચૌધરી દ્વારા આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં નારણભાઇ પટેલ સહિતના ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા માટે ફેરફાર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ ફેરફાર રિપોર્ટને આસિસ્ટન્ટ ચેરીટી કમિશનરે નામંજૂર કર્યો હતો.

કાયદેસરની ફરજ બજાવતા અટકાવી દાદાગીરીનો આક્ષેપ

ફેરફાર રિપોર્ટ નામંજૂર થયા બાદ નારણભાઇ પટેલ ટ્રસ્ટની કામગીરી માટે શાળાની ઓફિસમાં પહોંચ્યા હતા. તે સમયે સરીનભાઇ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરીએ દાદાગીરી કરી તેમને ફરજો બજાવતા અટકાવ્યા હોવાનો આરોપ છે. શાળાના મહિલા સ્ટાફને બોલાવી ઉશ્કેરણી કરવામાં આવી અને નારણભાઇ પટેલની ઘેરાબંધી કરી ધક્કા, ટપલી તેમજ ગડદા-પાટુનો માર મારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

મીડિયા કર્મી ઉપર પણ હુમલો, કારમાં તોડફોડ

આ સમગ્ર બનાવ દરમિયાન સ્થળ પર હાજર મીડિયા કર્મી સાથે પણ દુરવ્યવહાર થયો હતો. સરીનભાઇ ચૌધરીએ મીડિયા કર્મીને પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી “અહીંથી નીકળો” કહી ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. વધુમાં, નારણભાઇ પટેલ જે કાર લઈને આવ્યા હતા તેમાં તોડફોડ કરી ટાયરમાંથી હવા કાઢી નાખવામાં આવી હતી.

112 પર કોલ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી

પરિસ્થિતિ વધુ વિકટ બનતા નારણભાઇ પટેલના પુત્રે 112 પર કોલ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળા પરિસરમાંથી બહાર લાવ્યા હતા. હાલ બંને પક્ષો દ્વારા પોલીસ મથકે સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top