World

અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત

અમેરિકામાંથી ફરી એક વખત ભયાનક વિમાન દુર્ઘટના સામે આવી છે. ઉત્તર કેરોલિનાના સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ નજીક એક બિઝનેસ જેટ વિમાન ક્રેશ થતાં અનેક લોકોનાં મોત થયા હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ વિમાનમાં ભયંકર આગ લાગી હતી અને થોડા જ સમયમાં વિમાન બળીને રાખ થઈ ગયું હતું. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં દુર્ઘટનાની ભયાનકતા સ્પષ્ટ જોવા મળે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં સેસ્ના C550 પ્રકારનું બિઝનેસ જેટ સામેલ હતું. જેનો ઉપયોગ NASCAR ટીમો અને ફોર્ચ્યુન 500 કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું હતું કે વિમાનમાં પાઇલટ સહિત સાત લોકો સવાર હતા. વિમાન લેન્ડિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવી બેઠું અને એરપોર્ટ નજીક ક્રેશ થયું.

ફ્લાઇટ રેકોર્ડ્સ મુજબ વિમાન નિવૃત્ત NASCAR પાઇલટ ગ્રેગ બિફલ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું. જોકે હમણાં સુધી મૃતકોની ચોક્કસ સંખ્યા અને ઓળખ અંગે હજુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

દુર્ઘટનાના સમયે હવામાન અનુકૂળ ન હતું
AccuWeather મુજબ તે સમયે ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હતું. એરપોર્ટ નજીક ગોલ્ફ રમતા લોકો માટે આ દ્રશ્ય અત્યંત ભયજનક બન્યું. લેકવુડ ગોલ્ફ ક્લબમાં હાજર એક વ્યક્તિ ગોલ્ફર જોશુઆ ગ્રીને જણાવ્યું કે વિમાન બહુ નીચેથી ઉડતું દેખાઈ રહ્યું હતું અને થોડી જ સેકન્ડોમાં જમીન પર ક્રેશ થયું હતું.

FlightAwareના ડેટા અનુસાર વિમાન સવારે 10 વાગ્યા પછી તરત જ ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ બાદ પાછું વળી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. FAA અને અન્ય એજન્સીઓ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

Most Popular

To Top