બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના સિંગાપુરમાં અવસાન બાદ દેશમાં ફરી એકવાર ભારે અશાંતિ ફાટી નીકળી છે. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકા સહિત ચાર શહેરોમાં હિંસક પ્રદર્શન શરૂ થયા હતા. જેમાં તોડફોડ, આગચંપી અને હુમલાઓની ઘટનાઓ સામે આવી છે.
મળતી માહિતી મુજબ ગઈ કાલે 18 ડિસેમ્બર ગુરુવારે મોડી રાત્રે હજારો પ્રદર્શનકારીઓ ઢાકાના શાહબાગ ચોક પર એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બંધ કરી સરકાર સામે નારા લગાવ્યા અને હાદીની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ મૂક્યો. જોતજોતામાં આ વિરોધ હિંસક બની ગયો. ઉશ્કેરાયેલા ટોળાએ કારવાન બજારમાં સ્થિત દેશના જાણીતા અખબાર ‘પ્રથમ આલો’ના કાર્યાલય પર હુમલો કરી તોડફોડ કરી અને આગ ચાંપી દીધી. ત્યારબાદ ‘ડેઇલી સ્ટાર’ના બિલ્ડિંગને પણ આગને હવાલે કરવામાં આવ્યું.
હિંસા માત્ર ઢાકા સુધી સીમિત રહી નહોતી. રાજશાહીમાં પ્રદર્શનકારીઓએ અવામી લીગના કાર્યાલયને પણ આગ ચાંપી દીધી હતી. અનેક સ્થળોએ વાહનો અને ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. અહેવાલો અનુસાર કેટલાક પત્રકારોને જીવતા સળગાવવાનો પ્રયાસ પણ થયો હતો. જેના કારણે મીડિયા જગતમાં ભારે ચિંતા ફેલાઈ છે.
આ વચ્ચે ચટગાંવમાં પ્રદર્શનકારીઓ ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર એકત્ર થયા અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન ભારત વિરોધી અને અવામી લીગ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિ વધુ બગડતાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગઈ 12 ડિસેમ્બરે ઢાકાના વિજયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ શરીફ ઉસ્માન હાદી પર ગોળીબાળ થયો હતો. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકા અને બાદમાં 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
હાદીના મોત બાદ બાંગ્લાદેશના વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ઉચ્ચ સ્તરીય કટોકટી બેઠક બોલાવી છે. તેમણે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને હાદીના હત્યારાઓને કડક સજા મળશે તેવી ખાતરી આપી છે. સાથે જ આજે શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે.