સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે 18 ડિસેમ્બર ગુરુવારે લોકસભામાં ‘વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ 2025’ પસાર કરવામાં આવ્યું. બિલ રજૂ થતાં જ વિપક્ષે સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના અનેક સાંસદોએ બિલની નકલો ફાડીને સૂત્રોચ્ચાર કર્યા. જેના કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે અને ‘જી રામ જી’ નામ હેઠળ ગાંધીજીના નામ અને વિચારધારાનું અપમાન કરી રહી છે.
કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ આ બિલને કામના અધિકાર પર સીધો હુમલો ગણાવ્યો અને જણાવ્યું કે મનરેગા દ્વારા ગ્રામીણ ભારતમાં મોટા પાયે સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે.
બિલ પર થતી ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીનું નામ પણ “નરેગા” યોજનામાં 2009ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર આ નવી યોજના ગ્રામીણ રોજગાર અને જીવનજીવિકા માટે વધુ અસરકારક સાબિત થશે.
આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલી ટીકા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે પણ અનેક યોજનાઓને નેહરુ અને ગાંધી પરિવારના નામ પર રાખી હતી.
અંતે લોકસભામાં વિપક્ષી નેતાઓના ભારે હોબાળા વચ્ચે જી રામ જી બિલ પસાર કરવામાં આવ્યું હતું. જોકે વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. હવે આવતી કાલે શુક્રવાર સત્રનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે પણ હોબાળો થવાની શક્યતા છે. હવે આ કાર્યવાહી હવે શુક્રવારે સવારે 11 વાગ્યે ફરી શરૂ થશે.