Sukhsar

સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં

ઠેકઠેકાણે તૂટેલી નહેરની મરામત ન થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં

વેડફાતા પાણીથી ખેતી પર ગંભીર અસર, સિઝનમાં પૂરતું પાણી ન મળ્યાની ફરિયાદ

ઝાડી-ઝાંખરાથી નહેર જંગલ બની, જવાબદાર તંત્ર આંખ આડા કાન કરે છે: ગ્રામજનો

(પ્રતિનિધિ) સુખસર, તા. 18

સુખસર તાલુકામાં આવેલ જવેસી, મારગાળા અને નીંદકાપૂર્વ એમ ત્રણ સિંચાઈ તળાવમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષોથી આ કેનાલોની યોગ્ય રીતે રીપેરીંગ અને સાફ-સફાઈ ન થવાને કારણે આજે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા થઈ ખાતરપુરના મુવાડા સુધી જતી નહેરની હાલત અત્યંત બિસમાર બની ગઈ છે.

આઠ વર્ષથી નહેરની સાફ-સફાઈ અને મરામત નથી

જવેસી સિંચાઈ તળાવમાંથી નીકળતી નહેર છેલ્લા આઠેક વર્ષથી બિસમાર હાલતમાં છે. નહેર ઠેકઠેકાણે તૂટી ગઈ છે અને અંદર મોટા ઝાડી-ઝાંખરા તેમજ વૃક્ષો ઊગી નીકળતા નહેર જંગલ જેવી દેખાય છે. ખાસ કરીને જ્યાંથી નહેરની શરૂઆત થાય છે તે સ્થળે જ ભારે ભંગાણ સર્જાયું છે, છતાં વર્ષોથી તેની મરામત કરવામાં આવતી નથી.

લીકેજથી પાણી ખેતરોમાં વેડફાઈ રહ્યું છે

નહેર વચ્ચે અનેક જગ્યાએ તૂટફૂટના કારણે લીકેજ થાય છે અને સિંચાઈનું કિંમતી પાણી આસપાસના ખેતરોમાં વહી જાય છે. પરિણામે ઘણા ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનમાં ખેતી પણ કરી શકતા નથી. જ્યાં ખેતી થાય છે ત્યાં પણ પૂરતું પાણી ન મળતાં પાકને નુકસાન થઈ રહ્યું છે.

ઝાડી-ઝાંખરાથી જંગલી ભૂંડોનો ઉપદ્રવ

નહેરની આજુબાજુ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાના કારણે જંગલી ભૂંડો વસવાટ કરવા લાગ્યા છે. જેના લીધે બચી-ખુચી ખેતી પણ જંગલી ભૂંડો દ્વારા બગાડી નાખવામાં આવે છે. આ કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી

બિસમાર નહેર અને પાણીના વેડફાટને કારણે મોટાભાગના ખેડૂતોને સિઝનમાં પૂરતું સિંચાઈ પાણી મળતું નથી. પરિણામે ખેતીમાંથી યોગ્ય વળતર મળતું નથી અને ખેડૂતો અસહ્ય મુશ્કેલીમાં મુકાયા છે.

મજૂરોને આજદિન સુધી મજૂરી ન મળ્યાનો આક્ષેપ

જવેસી સિંચાઈ તળાવની વર્ષ 2010માં એક વખત સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2019માં ફરી એક વખત સિંચાઈ ખાતાના જવાબદારો અને મંડળી દ્વારા ગામના મજૂરો પાસેથી દસથી પંદર દિવસ સુધી દૈનિક મજૂરી પર કામ કરાવવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી મજૂરોને તેમની મજૂરીના નાણા ચૂકવવામાં આવ્યા નથી હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

જવાબદાર તંત્ર સામે ગંભીર પ્રશ્નો

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઝાલોદ નાની સિંચાઈ કચેરી દ્વારા દર વર્ષે ચેકડેમ, સિંચાઈ તળાવ અને નહેર માટે કરોડો રૂપિયાની કામગીરી દર્શાવવામાં આવે છે, પરંતુ જમીન પર તેની અસર દેખાતી નથી. કચેરીના બારી-દરવાજા પણ તૂટેલી હાલતમાં છે, તો પછી નહેરોની હાલત સુધારવાની ક્ષમતા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓ મોટાભાગે કચેરીમાં હાજર ન રહેતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.

તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

પાટડીયા અને આસપાસના ગામોના ખેડૂતો તથા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા થઈ ખાતરપુરના મુવાડા સુધી જતી નહેરની તાત્કાલિક સાફ-સફાઈ અને મરામત કરવામાં આવે, ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવે અને વેડફાતા પાણી પર રોક લગાવવામાં આવે, જેથી ખેડૂતોને ખેતીથી વંચિત ન થવું પડે. સ્થાનિકોની માંગ છે કે ઝાલોદ નાની સિંચાઈ કચેરી દ્વારા સુખસર તાલુકામાં કરવામાં આવેલી તમામ કામગીરીની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે.

| ખેડૂતની વ્યથા

“નહેર જ્યાંથી નીકળે છે ત્યાં જ વર્ષોથી ભંગાણ છે. લીકેજથી પાણી અમારા ખેતરોમાં વહી જાય છે અને અમે ખેતી કરી શકતા નથી. અનેક વખત રજૂઆત છતાં કોઈ દરકાર લેવામાં આવતી નથી.”
— રવિનાબેન બીપીનભાઈ પરમાર, પાટડીયા

| મજૂરોનો આક્ષેપ

“સાત વર્ષ પહેલા પંદર દિવસ સુધી નહેરની સાફ-સફાઈનું કામ કર્યું, પરંતુ આજદિન સુધી મજૂરીના નાણા મળ્યા નથી. અમારો હક અમને મળવો જોઈએ.”
— ગીતાબેન સરદારભાઈ પરમાર, પાટડીયા


Most Popular

To Top