સલાટવાડા વિસ્તારમાં ભાથુજી મહારાજના મંદિરે મોડી રાત્રે આયોજિત કાર્યક્રમ અટકાવ્યો
સ્થાનિકોનો આક્ષેપ—એક સમાજના જુલુસ ચાલુ, હિન્દુ કાર્યક્રમ પર રોક
ભારે ખર્ચ બાદ કાર્યક્રમ બંધ થતા નારાજગી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 18
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલા ભાથુજી મહારાજના મંદિરે મોડી રાત્રે આયોજિત અખીયાણના કાર્યક્રમને પોલીસે બંધ કરાવતા માળી સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યક્રમ અટકાવ્યો હતો, જેના પગલે તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી.
દર વર્ષે યોજાતો પરંપરાગત કાર્યક્રમ
સલાટવાડા વિસ્તારમાં આવેલા માળી મહોલ્લામાં માળી સમાજ દ્વારા દર વર્ષે ભાથુજી મહારાજના મંદિરે અખીયાણનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા મુજબ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે દરમિયાન પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિકોના આક્ષેપો
સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અન્ય સમાજ દ્વારા મોડી રાત્રે કાઢવામાં આવતા જુલુસ સામે કાર્યવાહી થતી નથી, જ્યારે હિન્દુ સમાજના ધાર્મિક કાર્યક્રમને તરત જ બંધ કરાવવામાં આવ્યો.” તેમણે સમાન વ્યવહાર કરવાની માંગ પણ ઉઠાવી હતી.
ખર્ચ અને તૈયારી વ્યર્થ ગઈ હોવાનો રોષ
માળી સમાજના લોકોએ જણાવ્યું હતું કે અખીયાણના આયોજન માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અચાનક બંધ કરાતા આ ખર્ચ વ્યર્થ ગયો હોવાનો રોષ લોકોમાં જોવા મળ્યો હતો.
શાંતિ જાળવવા અપીલ
પોલીસ તરફથી જાહેર વ્યવસ્થા અને શાંતિ જાળવવાના કારણોસર કાર્યવાહી કરાઈ હોવાનું સૂચવાયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે.