National

મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાનની બે દિવસીય સત્તાવાર મુલાકાતે ગઈ કાલે બુધવારે મસ્કત પહોંચ્યા છે. મસ્કત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓમાનના સંરક્ષણ બાબતોના નાયબ વડા પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદે પીએમ મોદીને આવકાર્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારત-ઓમાન મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને લઈને સંક્ષિપ્ત પરંતુ અર્થપૂર્ણ વાતચીત પણ થઈ હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સ્વાગત બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ઓમાનમાં વસતા ભારતીયોના ઉત્સાહથી બંને દેશો વચ્ચેના મજબૂત લોકો-થી-લોકો સંબંધો સ્પષ્ટ થાય છે. તેમણે કહ્યું કે ભારતીય ડાયસ્પોરાનો સ્નેહ અને જોડાણ ભારત-ઓમાન સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

આજે 18 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ સૈદ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક દરમિયાન ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગના નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.

મુક્ત વેપાર કરારથી ભારતના અનેક ક્ષેત્રોને સીધો લાભ મળશે. ખાસ કરીને કાપડ, ફૂટવેર, ઓટોમોબાઈલ, રત્નો અને ઝવેરાત, ઓટો પાર્ટ્સ તેમજ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને આ કરારથી મોટો વેગ મળશે. આ કરાર માટેની વાટાઘાટો નવેમ્બર 2023થી ચાલી રહી હતી. જે હવે અંતિમ તબક્કે પહોંચી છે.

મોદીની આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે. ઓમાનમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. જે દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. પીએમ મોદી તેમનો ઉત્સાહ વધારવા અને ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ખાસ મેસેજ આપશે.

જોકે ગઈ કાલે બુધવાર સાંજે ઓમાનના નાયબ વડા પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદ દ્વારા પીએમ મોદીના સન્માનમાં ભવ્ય રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ મળીને પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ભારત-ઓમાન સંબંધોને નવી ઊંચાઈ આપનાર બની રહેશે

Most Popular

To Top