Kalol

કાલોલના મોકળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો

એસઓજી પોલીસે એલોપથી દવાઓ સાથે ઝડપી કરી કાર્યવાહી

તબીબી ડિગ્રી વગર ચલાવતો હતો દવાખાનું

રૂ. 43,900ની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત

(પ્રતિનિધિ) કાલોલ, તા. 18/12/25

કાલોલ તાલુકાના મોકળ ગામે રોડ ફળિયામાં દવાખાનું ચલાવતા એક ઈસમ વિરુદ્ધ એસઓજી પોલીસે કડક કાર્યવાહી કરી હતી. એસઓજી પોલીસ સ્ટાફે ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર તેમજ સણસોલી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ સાથે સંયુક્ત રીતે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.

ડિગ્રી અંગે પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

તપાસ દરમિયાન દવાખાનું ચલાવતા ઈસમ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા અને એલોપથી દવાઓ રાખવા માટે જરૂરી ડિગ્રી માંગવામાં આવી હતી. આરોપીએ પોતાની પાસે કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી ન હોવાનું સ્વીકાર્યું હતું.

ઝોલાછાપ ડોક્ટરની ઓળખ

પકડાયેલ ઈસમનું નામ અરવિંદભાઈ લાલાભાઈ મકવાણા (ઉ.વ. 50), રહેવાસી મહેલોલ હોવાનું બહાર આવ્યું છે. આરોપી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપી પાસેથી એલોપથી દવાઓ તેમજ મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 43,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ કાર્યવાહી

એસઓજી પોલીસે અરવિંદભાઈ લાલાભાઈ મકવાણા સામે ‘ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ–1963’ની કલમ 30 હેઠળ ગુનો નોંધી ઝોલાછાપ ડોક્ટરની અટકાયત કરી હતી. આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ દ્વારા આરોપી કેટલા સમયથી ગેરકાયદે દવાખાનું ચલાવતો હતો અને કેટલા દર્દીઓની સારવાર કરી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top