રેલવે મુસાફરો માટે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે ટ્રેનના પ્રસ્થાનથી 10 કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે. જેના કારણે વેઈટિંગ લિસ્ટ અને RAC ટિકિટ ધરાવતા મુસાફરોને સમયસર તેમની ટિકિટ કન્ફર્મ છે કે નહીં તેની માહિતી મળી શકશે.
રેલવે બોર્ડે પહેલી વાર ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. નવી વ્યવસ્થા અનુસાર સવારે 5:00થી બપોરે 2:00 વાગ્યા વચ્ચે ઉપડતી ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાત્રે 8:00 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે.
જ્યારે બપોરે 2:01થી રાતના 11:59 વાગ્યા સુધી તેમજ રાત્રે 12:00 થી સવારે 5:00 વાગ્યા વચ્ચે ઉપડતી ટ્રેનો માટે રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનથી 10 કલાક પહેલાં તૈયાર કરાશે.
અત્યાર સુધી રેલવેમાં ટ્રેનના પ્રસ્થાનથી માત્ર 4 કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થતો હતો. જેના કારણે વેઈટિંગ અથવા RAC ટિકિટ ધરાવતા મુસાફરોને છેલ્લી ઘડીએ જ પોતાની ટિકિટનું સ્ટેટસ ખબર પડતું હતું. ખાસ કરીને દૂરના શહેરોમાંથી આવનારા મુસાફરો માટે આ વ્યવસ્થા ઘણી મુશ્કેલ સાબિત થતી હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે મુસાફરોને પોતાની યાત્રાનું આયોજન સરળ બને અને સમય તથા પૈસાની બરબાદી ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મુસાફરોને ચાર્ટ વહેલો મળવાથી તેઓ સમયસર પોતાની યાત્રા અંગે નિર્ણય લઈ શકશે.
જૂની સિસ્ટમના કારણે ઘણીવાર મુસાફરો ચાર્ટ બનતા પહેલાં જ સ્ટેશન પહોંચી જતા અને બાદમાં ટિકિટ કન્ફર્મ ન હોવાનું જાણવા મળતું જેના કારણે અસુવિધા સર્જાતી હતી. મુસાફરો તરફથી મળતી સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે આ મહત્વપૂર્ણ બદલાવ અમલમાં મૂક્યો છે.
રેલવે બોર્ડે આ નવી વ્યવસ્થા અંગે તમામ જોનલ રેલવે ડિવિઝનને જરૂરી સૂચનાઓ પણ જાહેર કરી દીધી છે.