પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઇથોપિયાની અધિકૃત મુલાકાતે છે. આજે 17 ડિસેમ્બર બુધવારે તેમણે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જ્યાં તેમણે ઇથોપિયાને “સિંહોની ભૂમિ” તરીકે વર્ણવી અને કહ્યું કે તેમને આ દેશમાં ઘર જેવો અનુભવ થાય છે. મોદીએ જણાવ્યું કે તેમનું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ તરીકે ઓળખાય છે. જેના કારણે ઇથોપિયા સાથે તેમનો એક ખાસ લાગણીસભર સંબંધ બને છે.
ઇથોપિયન સંસદને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ભારત અને ઇથોપિયાની સાંસ્કૃતિક સમાનતાઓ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે બંને દેશોના રાષ્ટ્રગીતોની તુલના કરતા કહ્યું કે ભારત અને ઇથોપિયા બંનેમાં ધરતીને “માતા” તરીકે સંબોધવામાં આવે છે. મોદીએ કહ્યું કે ઇથોપિયામાં આવીને તેમને અત્યંત આનંદ થયો છે અને તેઓ અહીં પોતાને ઘર જેવો અનુભવ કરે છે.
આ અવસર સાથે એક ઐતિહાસિક ક્ષણ પણ જોડાઈ હતી. ગઇ કાલે મંગળવારે ઇથોપિયાના વડા પ્રધાન અબી અહેમદ અલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા. આ સન્માન મેળવનારા મોદી પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે. પ્રધાનમંત્રીએ આ સન્માનને 1.4 અબજ ભારતીયોની તરફથી મળેલો ગૌરવ ગણાવ્યો અને ઇથોપિયાના લોકોનો આભાર વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે તેઓ 1.4 અબજ ભારતીયોના આશીર્વાદ અને શુભેચ્છાઓ લઈને ઇથોપિયા આવ્યા છે. તેમણે ઇથોપિયન સંસદ, તેના જનતંત્ર અને લોકશાહી યાત્રા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે આ ભવ્ય સંસદીય ઇમારતમાં લોકોની ઇચ્છા રાજ્યની ઇચ્છા બને છે અને જ્યારે રાજ્યનું ચક્ર લોકોના ચક્ર સાથે સુમેળમાં ફરે છે, ત્યારે વિકાસનું ચક્ર આશા અને હેતુ સાથે આગળ વધે છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મંગળવારે પ્રધાનમંત્રી મોદી તેમની પ્રથમ ઇથોપિયા મુલાકાતે પહોંચ્યા હતા. વડા પ્રધાન અબી અહેમદ અલીએ રાષ્ટ્રીય મહેલમાં તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ. જેમાં ભારત–ઇથોપિયા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી.