ગેસ પુરવઠો ઠપ્પ; હજારો ગેસધારકોને હાલાકી
( પ્રતિનિધિ ) વડોદરા, તા.17
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી જતા સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ કરવાની ફરજ વડોદરા ગેસ લિમિટેડ (VGL)ને પડી હતી. ઘટનાને પગલે અંદાજે ત્રણ કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાયો હોવાનું જાણવા મળ્યું છે.
માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ પાસે આજે રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી હતી. બુધવારે સવારે ઈજારદાર દ્વારા કરવામાં આવતી ખોદકામ દરમિયાન અચાનક ગેસ લાઇન તૂટી ગઈ હતી, જેના કારણે રસ્તા પર ગેસના ફુવારા ઉડતા દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓએ તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કર્યો હતો અને ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
સુરક્ષા પગલાં સાથે તરત જ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પૂર્ણ થવામાં અંદાજે ત્રણ કલાકનો સમય લાગી શકે તેમ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અચાનક ગેસ પુરવઠો બંધ થતા આ લાઇનથી જોડાયેલા હજારો ગેસધારકોને સવારના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં સવારના રસોડા બંધ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માંજલપુરના આ જ વિસ્તારમાં વરસાદી લાઇન નાખવાની કામગીરી દરમિયાન ઈજારદારે એમજીવીસીએલની વીજ લાઇનને અનેક જગ્યાએ નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
તંત્રના અલગ અલગ વિભાગો વચ્ચે યોગ્ય આંતરિક સંકલનના અભાવે આવી ઘટનાઓ વારંવાર બની રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે, અને તેની સીધી અસર નાગરિકોની દૈનિક જીવનશૈલી પર પડી રહી છે.