ગાંધીનગર : આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને રાજયના ખેડૂતોની 11 માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. જેમાં કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે, આવી વિવિધ કુલ 11 માંગો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કહયું હતું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ આશાની નજરે જોઈ રહ્યા છે,પંજાબની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોને, ભાગિયાઓને અને ખેતમજૂરોને વળતર ચૂકવવું જોઈએ.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે (1) તમામ મંડીઓમાંથી “કડદા પ્રથા” તાત્કાલિક બંધ કરવી. કડદા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે. (2) ખેડૂતોના પાકને APMC માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. (3) સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત / ભાગીયાઓને પંજાબ સરકારની જેમ, પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર આપવું અને એક મહિનામાં જ ચુકવવાની જોગવાઈ કરવામાં આવે. (4) ડેરીમાં પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેરનો હિસાબ સીધો તેમના ખાતામાં અને સમયસર આપવામાં આવે. (5) ખેડૂતોને દિવસમાં ૧૨ કલાક મફત વીજળી આપવામાં આવે. (6) હડદડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. (7) તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા MSP (ન્યુનત્તમ આધારભાવ) પર કરવામાં આવે. (8) ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે. (9) શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. (10) CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે ૧ ઑક્ટોબરથી શરૂ કરવામાં આવે અને (11) ગુજરાતમાં બેફામપણે હાઇટેન્શન લાઇન નાખવામાં આવે છે પરંતુ ખેડૂતોને પૂરતુ વળતર મળતું નથી. આ તમામ મુદ્દાઓને લઇને અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.