SURAT

એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ

પિતા વિનાની દીકરીઓ માટે સુરતના પી.પી.સવાણી ગ્રુપ છેલ્લા 18 વર્ષથી ‘કોયલડી’ નામે અનોખી અને માનવતાભરી સમૂહ લગ્ન યોજના ચલાવી રહ્યું છે. આ યોજના હેઠળ જે દીકરીના માથે પિતાનો હાથ નથી તેવી દીકરીઓના લગ્ન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગ્રુપ દ્વારા આ સેવાકાર્યને આગળ વધારતાં કુલ 133 પિતા વિનાની દીકરીઓના સન્માનપૂર્વક લગ્ન કરાવવામાં આવશે.

આવતી તા. 20 અને 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાનાર ‘કોયલડી’ સમૂહ લગ્ન યોજનામાં વિશેષ વાત એ છે કે આ 133 દીકરીઓમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તી સહિત વિવિધ ધર્મોની દીકરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક દીકરીના લગ્ન તેમના ધર્મની રીતિ-રિવાજ મુજબ કરવામાં આવશે. જે આ યોજનાની સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરે છે.

આ વર્ષના સમૂહ લગ્નમાં એક હ્રદયસ્પર્શી હકીકત પણ સામે આવી છે. આ 133 દીકરીઓમાંથી લગભગ 90 દીકરીઓ એવી છે. જેમના ઘરે પિતા-માતા કે ભાઈ સહિત કોઈ પણ સગા નથી. આવી દીકરીઓ માટે પી.પી.સવાણી ગ્રુપ પરિવાર બનીને આગળ આવ્યું છે. લગ્ન પ્રસંગે દીકરીઓને વસ્ત્રો, ઘરગથ્થુ સામાન સહિત તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે. જેથી તેઓ આત્મસન્માન સાથે નવા જીવનમાં પ્રવેશ કરી શકે.

પી.પી.સવાણી ગ્રુપના સભ્ય મહેશ સવાણીએ જણાવ્યું કે “અમે આ દીકરીઓ સાથે માત્ર લગ્ન સુધી જ નથી રહેતા પરંતુ લગ્ન બાદ પણ તેમના જીવનની જવાબદારી નિભાવીએ છીએ. દીકરીઓના લગ્ન પછી જન્મનાર તેમના બાળકોને પણ અમે શિક્ષણ આપીએ છીએ.”

‘કોયલડી’ યોજના છેલ્લા 18 વર્ષથી સતત ચાલી રહી છે અને આ સમયગાળા દરમિયાન પી.પી.સવાણી ગ્રુપ દ્વારા હાલ સુધીમાં 5,539 પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવવામાં આવી ચૂક્યા છે.

આ ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે સુરતના કમિશનર અનપમસિંહ ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક જાણીતા રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહેશે. લગ્ન પ્રસંગની શોભા વધારવા માટે ગુજરાતના જાણીતા અંદાજે 30 ગાયકો પણ પોતાની પ્રસ્તુતિ આપશે.

‘કોયલડી’ માત્ર એક સમૂહ લગ્ન યોજના નથી પરંતુ પિતા વિનાની દીકરીઓ માટે પરિવાર બની ઊભી રહેલી સંવેદનશીલ પહેલ છે, જે સમાજને સાચી માનવતા અને સમાનતાનો પાઠ ભણાવે છે.

Most Popular

To Top