Vadodara

સમા તળાવના નિર્માણાધીન બ્રિજ પાસે સર્વિસ રોડ પર અકસ્માત; 15 વર્ષીય સગીરનું મોત

વડોદરા શહેરમાં અકસ્માતોની પરંપરા
વડોદરા: શહેરના સમા તળાવ નજીક ગઈ મોડી રાતે એક ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં માત્ર 15 વર્ષની નાની ઉંમરે એક સગીરે જીવ ગુમાવ્યો હતો. નિર્માણ પામી રહેલા બ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે સગીરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, કારેલીબાગ સ્થિત તુલસીવાડી વિસ્તારમાં રહેતો હિતેન્દ્ર રાજુ પરમાર (ઉં.વ. 15) મોડી રાતે કોઈ કામ અર્થે સમા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. સમા તળાવ પાસે જ્યાં હાલમાં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યાં સર્વિસ રોડ પર તે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.


બનાવની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને સમા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, ગંભીર ઇજાઓને કારણે સગીર હિતેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. પોલીસે પ્રાથમિક કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

માત્ર 15 વર્ષની નાની ઉંમરે હિતેન્દ્રના અચાનક મોતથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં આ સમાચાર પહોંચતા જ શોકની લાગણી છવાઈ ગઈ હતી. સમા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત કયા વાહન સાથે તથા કયા સંજોગોમાં સર્જાયો તેની તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top