જળસંકટ વચ્ચે પીવાના પાણીનો અધધધ વ્યય! કોન્ટ્રાક્ટરો-તંત્ર મસ્ત હોવાના આક્ષેપો, અકસ્માતો વધતાં વિપક્ષે તાત્કાલિક સમારકામની માંગ કરી


વડોદરા એક તરફ વડોદરા શહેર દિવસે ને દિવસે પાણીની તંગી સામે પ્રજા ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની બેજવાબદાર કામગીરીને કારણે લાખો ગેલન પીવાનું પાણી વ્યર્થ વહી રહ્યું છે. શહેરમાં ચાલતા ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા શહેરના હરી નગર પાસે આવેલા પ્રથમ ચાર રસ્તા પર હાલમાં ‘પૂર’ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળેલા અહેવાલો મુજબ, શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ખોદકામની કામગીરી દરમિયાન મોટી ભૂલ થઈ છે, જેના પરિણામે પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે. આ ભંગાણને કારણે લાખો ગેલન પાણી સતત રોડ પર વહી રહ્યું છે.
પાણીનો આટલો મોટો બગાડ થઈ રહ્યો હોવા છતાં, મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો કે સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આના પરથી એવા આક્ષેપો થઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો અને શાસક પક્ષના કેટલાક પ્રતિનિધિઓ પ્રજાના હિતની ચિંતા કર્યા વગર અંગત લાભ ખાવામાં વ્યસ્ત છે.
હરી નગરના પ્રથમ ચાર રસ્તા પર વહી રહેલા પાણીને કારણે રસ્તો અત્યંત લપસણો અને જોખમી બની ગયો છે. આ જોખમી સ્થિતિને કારણે અહીં કેટલાક અકસ્માતો પણ સર્જાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. લોકોની સુરક્ષા અને પાણીના બગાડ જેવી ગંભીર બાબત હોવા છતાં, મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા સમક્ષ ઉગ્ર માંગણી કરવામાં આવી છે. વિપક્ષના આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શહેરમાં એક તરફ પાણીની તંગી વર્તાઈ રહી છે અને બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે પીવાના પાણીનો આટલો મોટો જથ્થો વ્યર્થ જઈ રહ્યો છે, તે ગંભીર બાબત છે.
વિપક્ષે વહેલામાં વહેલી તકે આ પાણીની લાઇનનું સમારકામ કરીને પાણીનો વ્યય અટકાવવા અને લોકોને સમયસર પાણી મળી રહે તે માટે તત્કાળ પગલાં ભરવા પર ભાર મૂક્યો છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે, તો આ વિસ્તારના રહીશોને પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.