વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કર્યો ભંડાફોડ
(પ્રતિનિધિ) તારાપુર, તા.15
તારાપુર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી ‘પોલીસ’ લખેલું બોર્ડ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તપાસમાં ખુલ્યું કે કાર ચાલક રાજ્ય સેવક હોવાનો સ્વાંગ રચી કારમાં પોલીસ લખેલું બોર્ડ રાખી ફરતો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કાર રોકાઈ
તારાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ સહિતની ટીમ 15મીના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તારાપુર–વટામણ હાઈવે પર ફતેપુરા ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કારના આગળના કાચ પાસે ‘પોલીસ’ લખેલું બોર્ડ
વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ કારને રોકી હતી. કારના સ્ટિયરિંગ આગળના કાચને અડીને ‘પોલીસ’ લખેલું બોર્ડ મૂકવામાં આવ્યું હતું. કારનો નંબર GJ-12-AE-7814 હોવાનું જાણવા મળ્યું હતું.
ઓળખ કાર્ડ ન બતાવી શકતા શંકા ઘેરી
કાર ચાલકને પુછપરછ કરતાં તેણે પોતે પોલીસમાં હોવાનું જણાવ્યું હતું. જોકે તેની પાસે કોઈ ઓળખ કાર્ડ મળી આવ્યું નહોતું. વધુ આગવી ઢબે પુછપરછ કરતાં તેણે પોતાનું નામ પૃથ્વીરાજસિંહ કનકસિંહ પરમાર (રહે. રાજપૂત શેરી, ગલીયાણા) હોવાનું જણાવ્યું હતું.
રાજ્ય સેવક હોવાનો સ્વાંગ રચ્યો
પોલીસ લખેલા બોર્ડ અંગે કાર ચાલક કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. તપાસમાં સ્પષ્ટ થયું કે આરોપી રાજ્ય સેવક હોવાનો સ્વાંગ રચી લોકોને ભ્રમમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટનાને પગલે તારાપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને પોલીસ બોર્ડ રાખવાનો હેતુ શું હતો તથા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.