Vadodara

નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા

ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ બુસ્ટરથી જનતાને હાલાકી

વડોદરા : શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ માટે મુખ્ય રસ્તા પર દબાણ કરીને મૂકાયેલા બુસ્ટરને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક રહીશો સહિત શાળાના બાળકો અને શિક્ષકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

ત્રણ શાળાઓના હજારો બાળકો અસરગ્રસ્ત

નવી ધરતી, નાગરવાડા, વોર્ડ નંબર–૭ વિસ્તારમાં આવેલી જીવન સાધના શાળા, ન્યૂ ઈરા સ્કૂલ તથા કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાના મુખ્ય માર્ગ પર જ આ વિવાદાસ્પદ બુસ્ટર મૂકવામાં આવ્યું છે. જેના કારણે રોજ શાળાએ આવતા-જતાં બાળકો, શિક્ષકો અને વાલીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વારંવાર લાઈન ભંગાણ અને કાદવ-કીચડની સમસ્યા

બુસ્ટરની આસપાસ પાંચ પાણીની લાઈનોના વાલ્વ મૂકવામાં આવ્યા છે. આ લાઈનોમાં દર ત્રીજા-ચોથા દિવસે ભંગાણ પડતું હોવાથી પાણી લીકેજ સામાન્ય બની ગયું છે. પરિણામે રસ્તા પર કાદવ અને કીચડ ફેલાય છે. સમારકામ માટે વારંવાર ખોદકામ થતાં સ્થિતિ વધુ ખરાબ બને છે.

નાની ખામી તરફ તંત્રનું ધ્યાન નથી

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ નાની લિકેજ બાબતે જવાબદાર અધિકારીઓ ધ્યાન આપતા નથી. લિકેજ મોટી બન્યા બાદ જ રિપેર થાય છે, જે તંત્રની સ્પષ્ટ બેદરકારી દર્શાવે છે.

સરકારી દબાણ સામે કાયદો મૌન?

રહિશોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર બાંધકામો અને લારી-ગલ્લા હટાવવામાં કોર્પોરેશન સક્રિય રહે છે, પરંતુ જ્યારે સરકારી સ્તરે જ દબાણ કરવામાં આવ્યું હોય ત્યારે નિયમો લાગુ પડતા નથી. અધિકારીઓ મનસ્વી રીતે વર્તે છે તેવી લાગણી લોકોમાં વ્યાપી છે.

મુખ્યમંત્રી ઓનલાઈન સુધી પહોંચ્યો મામલો

જીવન સાધના શાળાના શિક્ષક હસમુખભાઈ પાઠકે આ મુદ્દે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્રણાલીમાં અરજી કરી હતી. ફરિયાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લેખિતમાં ખાતરી આપી હતી કે વિકલ પૂલ ખાતે નવા બુસ્ટર તૈયાર થયા બાદ આ જૂનું બુસ્ટર હટાવવામાં આવશે.

પાંચ વર્ષ પૂર્ણ છતાં કોઈ કાર્યવાહી નહીં

વિકલ પૂલ ખાતે નવા બુસ્ટર બની ગયા આજે પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છતાં નવી ધરતી–નાગરવાડા વિસ્તારમાં આવેલું આ બુસ્ટર હટાવવામાં કોર્પોરેશન દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિકોમાં રોષ, હવે CMOના હસ્તક્ષેપની રાહ

લાંબા સમયથી ચાલતી સમસ્યા અને તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે મુખ્યમંત્રી કાર્યાલયના હસ્તક્ષેપ પછી જ આ દબાણ ક્યારે હટશે અને વિસ્તારના લોકોને કાયમી રાહત ક્યારે મળશે તે જોવું રહ્યું.

Most Popular

To Top