ચાલ બેસી જા, તારી પટ્ટી કરાવી દઉં”, જેવી ધમકીભરી ભાષા વપરાતા પરિસ્થિતિ વધુ તંગ બની
( પ્રતિનિધિ ) વડોદરા, તા.15
વડોદરા શહેરના વડસર બ્રિજ ઉપર આજે બે બાઈક સવારો વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાના તરત બાદ બંને બાઈક સવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
બોલાચાલીથી રસ્તા પર તમાશો

અકસ્માત બાદ એક બાઈક સવાર દ્વારા “ચાલ બેસી જા, તારી પટ્ટી કરાવી દઉં” જેવી ધમકીભરી ભાષા વપરાતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. રસ્તા પર ચાલતી આ બોલાચાલી અને તમાશાને કારણે પાછળથી આવતા વાહનચાલકો પણ થંભી ગયા હતા.
ચાવી કાઢી લેતા મામલો ગરમાયો

બોલાચાલી દરમ્યાન એક બાઈક સવાર દ્વારા બીજા બાઈક સવારની બાઈકની ચાવી કાઢી લેવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ વધી જતા બ્રિજ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
લાંબો ટ્રાફિક જામ સર્જાયો

વડસર બ્રિજ જેવા વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ માથાકૂટના કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અંતે મામલો થાળે પડ્યો

થોડા સમયની બોલાચાલી અને માથાકૂટ બાદ બંને બાઈક સવારો વચ્ચે મામલો થાળે પડ્યો હતો. જોકે, નજીવા અકસ્માત બાદ થયેલી આ ઘટના ટ્રાફિક વ્યવસ્થા અને વાહનચાલકોના ધીરજના અભાવ પર ફરી એકવાર સવાલ ઊભા કરે છે.