Business

ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો

આ વર્ષ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક વૈશ્વિક બજારના સંકેતો અને ક્યારેક સ્થાનિક માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ફેરફાર નોંધાઈ રહ્યા છે. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે આજે 15 ડિસેમ્બર સોમવારે ચાંદીના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી. જ્યારે સોનાના ભાવ પણ મજબૂત સ્થિતિમાં રહ્યા.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારના શરૂઆતના સમયે ચાંદીના ભાવમાં લગભગ રૂ. 3,000નો ઉછાળો નોંધાયો. ગયા શુક્રવારના ભાવની સરખામણીમાં આજે MCX પર ચાંદીનો ભાવ વધીને રૂ. 1,95,825 પ્રતિ કિલોગ્રામ થયો. જ્યારે અગાઉનો બંધ ભાવ રૂ 1,92,851 હતો. આ રીતે એક જ ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ 2,974 મોંઘી થઈ છે.

બજાર નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીમાં રોકાણકારોની સતત ખરીદીના કારણે ભાવમાં આ મજબૂતી જોવા મળી રહી છે.
જો કે વધારા છતાં ચાંદી હજુ પણ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી નીચે છે. MCX પર ચાંદીનો ઉચ્ચ ભાવ રૂ 2,01,615 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. વર્તમાન ભાવની તુલનામાં ચાંદી હજુ પણ લગભગ રૂ 5,790 સસ્તી છે. તેમ છતાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગયા સોમવારે ચાંદી રૂ 1,81,740 પ્રતિ કિલોગ્રામ હતું. જેની સામે હવે ભાવમાં રૂ 14,085નો વધારો થયો છે.

ચાંદીની સાથે સોનાના ભાવ પણ મજબૂત વલણ બતાવી રહ્યા છે. ગયા શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ 1,33,622 હતો . જે આજે સોમવારે વધીને રૂ 1,34,859 પર પહોંચી ગયો. જોકે બપોર સુધીમાં આ રેકોર્ડ પણ તૂટ્યો હતો. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ 1,35,496 સુધી પહોંચી ગયો. આ વધારા સાથે સોનાનો સર્વકાલીન ઉચ્ચ ભાવ રૂ 1,35,263 પ્રતિ 10 ગ્રામ હતો. જે રેકોર્ડ હવે તૂટી ગયો છે.

બજાર વિશ્લેષકોના મતે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સલામત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વધતી રસના કારણે આવનારા દિવસોમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.

Most Popular

To Top