દાહોદ તા.14
દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ચાકલીયા રોડ પર આવેલી સુખદેવકાકા કોલોનીમાં આ યોજનાની ગંભીર ખામીઓ સામે આવી રહી છે. ગટર લાઇનમાં નાની સાઇઝની પાઇપો નાખવામાં આવતાં અને કામગીરી યોગ્ય રીતે ન થતાં ગટર વારંવાર જામ થઈ જાય છે. પરિણામે ગંદું પાણી ચેમ્બરમાંથી ઉભરાઈને સીધું રહીશોના ઘરો અને આંગણામાં ઘૂસી જાય છે, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દુર્ગંધ, મચ્છરો અને રોગચાળાનો ભય: રહીશોની વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય
સ્થાનિક રહીશોનું કહેવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા તથા ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પાઇપોની ગુણવત્તા અને કદમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. પાઇપો નાની હોવાથી ગંદા પાણીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી અને વિસ્તારમાં સતત પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. તેના કારણે ઘરોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવાનો પણ ગંભીર ભય ઊભો થયો છે.
આ બાબતે સુખદેવકાકા કોલોનીના રહીશ અજય વાઘેલાએ જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનામાં નાની સાઇઝની પાઇપો નાખવામાં આવી છે. ગંદું પાણી ગટરમાં જતું નથી અને ચેમ્બરમાંથી ઉભરાઈને અમારા ઘરોમાં આવી જાય છે. અમે નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ સ્થળ પર આવી તપાસ કરતું નથી. અમારી માંગ છે કે તાત્કાલિક ગટરોની સફાઈ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે.”
સ્માર્ટ સિટીના નામે કરવામાં આવેલા આ પ્રોજેક્ટ પાછળ મોટા પાયે ખર્ચ થયો હોવા છતાં શહેરીજનોને તેનો યોગ્ય લાભ મળતો નથી. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર ક્યારે આ વિસ્તારની મુલાકાત લઈ રહીશોની સમસ્યાનો નિકાલ કરે છે.
અહેવાલ::વિનોદ પંચાલ