સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા લાખો નાગરિકો માટે આગામી બે દિવસ એટેલે કે તા.15 અને 16 ડિસેમ્બર મુશ્કેલીભર્યા રહેવાના છે. વરાછા મેઈન રોડ પર માનગઢ ચોક જંક્શન નજીક આવેલી મુખ્ય પાણીની ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં મોટા પ્રમાણમાં લીકેજ સર્જાયું છે.
લીકેજને કારણે દરરોજ લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું હોવાથી સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ રિપેરિંગના કારણે આવતી કાલે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ શહેરના સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે.
પાલિકા દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ મરામતની કામગીરી આજે 14 ડિસેમ્બર રવિવારની રાત્રે 11:00 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. જે સતત 15 ડિસેમ્બર સોમવારના બપોરે 12:00 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સોમવારે સેન્ટ્રલ ઝોનમાં સવારથી જ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
મરામત પૂર્ણ થયા બાદ 16 ડિસેમ્બર મંગળવારના રોજ પાણી પુરવઠો ફરી શરૂ થશે પરંતુ તે ખૂબ જ ઓછા દબાણથી અને મર્યાદિત જથ્થામાં જ ઉપલબ્ધ રહેશે.
કયા કયા વિસ્તારોને અસર થશે?
આ પાણીકાપની સૌથી વધુ અસર સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં જોવા મળશે. ખાસ કરીને રાજમાર્ગથી દક્ષિણ તરફ આવેલા બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા અને રૂદરપુરા જેવા વિસ્તારોમાં પાણી નહીં મળે.
આ ઉપરાંત સોની ફળીયા, રેલ્વે સ્ટેશન વિસ્તાર, સુમુલ ડેરી રોડ તથા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી પુરવઠો ખોરવાશે.
આ સમગ્ર કામગીરીને કારણે અંદાજે ચાર લાખ જેટલી વસતીને સીધી અસર થવાની શક્યતા છે. ખાસ કરીને ઘરગથ્થુ કામ, વેપાર-ધંધા તેમજ હોટલ અને દુકાનોને પણ પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આજે રવિવારે જ જરૂરી પાણીનો પૂરતો સંગ્રહ કરી લે અને આગામી બે દિવસ દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે. લીકેજનું કામ મોટું હોવાથી જો કોઈ અડચણ આવે તો સમય વધવાની શક્યતા પણ રહેલી છે. પાલિકાએ લોકોને સહકાર આપવા અને અનાવશ્યક પાણી વેડફવાનું ટાળવા વિનંતી કરી છે.