Kalol

ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત

એક ઈસમ ઝડપાયો, જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી


કાલોલ તા. ૧૩

આગામી ઉતરાયણ તહેવારને ધ્યાને રાખી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કાલોલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલોલ તાલુકાના ડુંગરીપુરા ગામમાંથી ચાઈનીઝ દોરીની રીલ નંગ–૩૦, કુલ કિંમત રૂ. ૬,૦૦૦/- સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

ખાનગી બાતમીના આધારે રેડ, દોરી જપ્ત

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ, ચાઈનીઝ દોરીના ઉપયોગથી જાહેર માર્ગ પર અવરજવર કરતા રાહદારીઓ તેમજ પશુ–પક્ષીઓને જીવલેણ ઈજાઓ થતી હોવાના કારણે તેના પર પ્રતિબંધ લાગુ છે. આ સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક, હાલોલના માર્ગદર્શન હેઠળ અને કાલોલ પોલીસ સ્ટેશનના I/C પો.ઇન્સ. યુ.એલ. વાઘેલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ડુંગરીપુરા ગામે મંદિર ફળિયામાં રહેતો રાહુલકુમાર ખુમાનસિંહ પરમાર પોતાના રહેણાંક મકાનમાં ચાઈનીઝ દોરી રાખી વેચાણ કરે છે.

જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી

મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી આરોપીના કબ્જામાંથી ચાઈનીઝ દોરીની કુલ ૩૦ રીલો જપ્ત કરી હતી. આ અંગે કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ–ગોધરા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા (હુકમ નં. એમ.એ.જી./જાહેરનામું/વશી/૨૪૬૧ થી ૨૪૭૧/૨૦૨૫, તા. ૧૩/૧૨/૨૦૨૫)ના ભંગ બદલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને આવી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.

Most Popular

To Top