Dahod

સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો

પ્રાથમિક અનુમાન મુજબ યુવકને અન્ય સ્થળેથી લાવી અહીં જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવામાં આવ્યો, એકની અટકાયત

દાહોદ:;દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામની રંગલી ઘાટી વિસ્તારમાં ગતરોજ સવારે એક યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર સંજેલી સહિત જિલ્લાના પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે સંજેલી પોલીસે હત્યાનો ગુનો નોંધાવી તપાસનો દોર શરૂ કરી એક શખ્સની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગતરોજ સવારે હીરોલા ગામના કેટલાક ગ્રામજનો રોજની જેમ પોતાના ઢોરો ચરાવવા રંગલી ઘાટી વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન તેઓને એક સંપૂર્ણ રીતે સળગેલો માનવદેહ નજરે પડતા ચોંકી ઉઠ્યા હતા. બનાવની તાત્કાલિક જાણ સંજેલી પોલીસને કરવામાં આવતા ડીવાયએસપી પટેલ, સંજેલી પી.આઈ. કે. આર. રાવત સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળને ચારે બાજુથી કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતદેહ એટલી હદે સળગેલો હતો કે તેની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂપ બની હતી. જોકે, મૃતકના હાથમાં મળેલી સ્માર્ટ ઘડિયાળ અને કડુ મહત્વપૂર્ણ પુરાવા તરીકે પોલીસે કબજે લીધા હતા. પ્રાથમિક અનુમાન મુજબ યુવકને અન્ય સ્થળેથી લાવી અહીં જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી પુરાવાનો નાશ થઈ જાય.

ઘટના સ્થળે એકત્ર થયેલા લોકટોળાને નિયંત્રિત કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. સાથે જ આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની ફરિયાદોની ચકાસણી તેમજ **ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)**ની મદદ લઈ તપાસને વધુ વેગ આપવામાં આવ્યો હતો.

આ મામલે હીરોલા ગામના ખેડા ફળિયામાં રહેતા ૩૯ વર્ષીય ભુપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા યુવકની કોઈ અજાણ્યા ઇસમોએ અગમ્ય કારણોસર હત્યા કરી, પુરાવાનો નાશ કરવા તેના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધો હતો.

ફરિયાદના આધારે સંજેલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે અને એક ઇસમને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ જઘન્ય હત્યાના કારણો અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધ માટે તપાસ વધુ ઘનિષ્ઠ બનાવી છે.

Most Popular

To Top