નેશનલ હાઇવે-56 પર ખાડા અને રેતીનો ભોગ બનતા બાઈક ચાલકો
બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 પર જબુગામથી બોડેલી વચ્ચે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. રોડ પર મોટા મોટા ખાડા પડી જતા, ખાસ કરીને રેતીથી ભરેલા ટ્રેક્ટર અને ટ્રક પસાર થાય ત્યારે ખાડામાં ટાયર પડતાં રેતી રોડ પર ફેલાઈ જાય છે. પરિણામે સમગ્ર માર્ગ પર ઘોર ધૂળડમરીનો માહોલ સર્જાય છે, જેનાથી બાઈક ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
દરરોજ અનેક બાઈક ચાલકો ધૂળના કૂવો જેવી પરિસ્થિતિમાં રસ્તો ઓળંગે છે અને કેટલીક વખત સ્લીપ ખાઈને અકસ્માતનો ભોગ પણ બને છે. છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ખાડાઓ પૂરી દેવા કે આસપાસ પડેલી રેતી દૂર કરવા કોઈ કાર્યવાહી કરાતી નથી.
વારંવાર રજૂઆતો છતાં તંત્રની નકારાત્મકતા
સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કર્યા છતાં અધિકારીઓનું ધ્યાન આ તરફ દોરાયું નથી. વહીવટી તંત્ર પણ આ ગંભીર સમસ્યાને પગલે કોઈ અસરકારક પગલાં લેતું નથી એવું લોકોનું માનવું છે.
રોડ પર પડેલી રેતી અને માટી બાઈક ચાલકો માટે જોખમકારક બની છે, જ્યારે સતત ઉડતી ધૂળથી દુકાનદારો, વાહનચાલકો અને રોજિંદા મુસાફરો ત્રસ્ત થઈ ગયા છે.
સ્થાનિકોમાંથી તીવ્ર માંગ ઉઠી છે કે—
તાત્કાલિક રૂાંફા તમામ ખાડા પૂરા કરવામાં આવે,
રોડની આજુબાજુની રેતી અને માટી હટાવવામાં આવે,
અને દિવસ-રાત ચાલતા ભારે વાહનો પર પ્રભાવશાળી દેખરેખ રાખવામાં આવે.
જાહેર સુરક્ષાને જોખમમાં મૂકી રહેલી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.