National

કોરોનાની વકરતી સ્થિતિ: આજે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોનાની પરિસ્થિતિ અને ચાલુ રસીકરણ અભિયાન અંગે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કારણ કે, કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધવાની સાથે કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાન આગળ વધારવાનું વિચારે છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દાઓ વીડિયો કોન્ફરન્સ પર ચર્ચા કરશે. કોરોના સંક્રમણની શરૂઆત થયા બાદ તેમણે ઘણી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમે બેઠકનું આયોજન કર્યુ હતું.
આ અગાઉ નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે વાતચીત રસીકરણ અભિયાન પહેલા જાન્યુઆરી મહિનામાં થઈ હતી. તેમણે જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર રસીકરણના પ્રથમ તબક્કામાં લગભગ ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓને અને ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવતી રસીનો ખર્ચ સરકાર ઉઠાવશે. તેમજ સૂચન કર્યુ હતું કે, પ્રથમ તબક્કામાં રસીકરણમાં લોક પ્રતિનિધિઓ, રાજકારણીઓએ ભાગ ન હોવો જોઈએ.
હાલમાં, 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના અને કોમર્બિડિટીઝ ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 26,291 નવા કોરોના કેસ નોંધાયા હતા. જે છેલ્લા 85 દિવસ બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયા બાદ અનેક વખત દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા યોજી ચુકયા છે. હાલ છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં કોરોનાવાયરસના કેસ ઘટી રહ્યા હતા અને રસીકરણ પણ શરૂ થયું હતું તે કારણે રોગચાળો નાબૂદ થવાની આશા જાગી હતી, પરંતુ રસીકરણ શરૂ થવા છતાં દેશમાં ફરીથી કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના વધી રહેલા કેસોએ ચિંતા જન્માવી છે અને કેન્દ્ર તથા રાજ્યો આ બાબતે સંકલન વધારે તેવી જરૂરિયાત ઉભી થઇ છે. દેશમાં કોરોનાવાયરસના કેસો વધતા ફરીથી લોકડાઉન જેવા સખત નિયંત્રણો આવશે કે કેમ? તે બાબતે પણ સામાન્ય જનતામાં ચર્ચાઓ શરૂ થઇ છે તે સંદર્ભમાં પણ બુધવારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ વચ્ચે યોજનાર બેઠકનું મહત્વ વધી જાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top