Vadodara

વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર

માછલી અને કાચબાના અસ્તિત્વ પર સંકટ, બંધ બોરિંગ શરૂ કરવા અથવા નવા બોર બનાવવા તાકીદ

અગાઉની રજૂઆતો અવગણાતા બાળુભાઈ સુર્વેનો મ્યુનિસિપલ કમિશનરને સીધો સવાલ

વડોદરા શહેરના મધ્યમાં આવેલા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સિદ્ધનાથ તળાવમાં સર્જાયેલી દયનીય પરિસ્થિતિને કારણે અનેક જળચર જીવોના અસ્તિત્વ પર ગંભીર સંકટ ઊભું થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તળાવનું પાણી લગભગ સંપૂર્ણપણે સુકાઈ જતાં માછલીઓ અને કાચબાઓ સહિતના જળચર પ્રાણીઓ મોતને ભેટવાની ભીતિ સેવાઈ રહી છે.
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટના પાછળના ભાગે વોર્ડ નંબર 13માં સ્થિત સિદ્ધનાથ તળાવની વર્તમાન સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. તળાવનું પાણી સુકાઈ જવાથી કાદવ અને ગંદકી જ જોવા મળી રહ્યા છે, જેને કારણે પાણીમાં રહેલા જીવોના જીવનને સીધો ખતરો ઊભો થયો છે. પર્યાવરણ અને જીવદયાની દ્રષ્ટિએ આ મુદ્દો હવે સ્થાનિકોમાં આક્રોશનું કારણ બન્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને લઈને વોર્ડ નંબર 13ના સ્થાનિક કાઉન્સિલર અને વિપક્ષના નેતા બાળુભાઈ સુર્વેએ આક્રમક રજૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તળાવની આ હાલત અંગે તેમણે અગાઉ પણ અનેક વખત મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
બાળુભાઈ સુર્વેએ વધુમાં જણાવ્યું હતું કે સિદ્ધનાથ તળાવનું સંરક્ષણ કરવું, પર્યાવરણનું સંતુલન જાળવવું અને જીવદયાના સિદ્ધાંતોનું પાલન કરવું આ ત્રણેય દ્રષ્ટિએ આ મુદ્દો અત્યંત મહત્વનો છે. તેમણે વડોદરા મહાનગરપાલિકા સમક્ષ આ ઐતિહાસિક જળાશય અને તેમાં રહેલા જીવોની રક્ષા માટે યુદ્ધના ધોરણે તાત્કાલિક કાર્યવાહી કરવા અંતિમ આવેદન વ્યક્ત કર્યું છે.

:- જળચર પ્રાણીઓના મૃત્યુ માટે જવાબદાર કોણ?
​કાઉન્સિલર સુર્વેએ આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી હતી કે જો વહીવટીતંત્ર દ્વારા તુરંત પાણી ભરવાની કાર્યવાહી નહીં કરવામાં આવે અને જળચર પ્રાણીઓના મૃત્યુ થશે, તો તેની જવાબદારી કોની રહેશે? આ ઐતિહાસિક તળાવની અવગણના કરવા બદલ તેમણે સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી.

– બાળુભાઈ સુર્વેએ તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, “જળચર જીવોના જીવ બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની સખત જરૂર છે.” તેમણે ભારપૂર્વક માંગણી કરી હતી કે:
*​બંધ પડેલા બોરિંગને તરત જ શરૂ કરાવવામાં આવે.
*​જો હાલના બોરિંગ કાર્યરત ન હોય, તો નવા બોર બનાવીને તાત્કાલિક તળાવમાં પાણી ભરવામાં આવે.

Most Popular

To Top